પૃષ્ઠ:Vevishal.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખલાલ તરફ એમનું દિલ હતું તે પણ ખોટું અનુમાન છે. એમને સુખલાલ પાસે જવાનું કારણ જુદું જ હતું; અગાઉ જે પત્રવ્યવહાર થયો હશે, તેના કાગળો પાછા મેળવવાનું હતું. એ બધું એમના જ હસ્તાક્ષરોમાં આપ આ કવરની અંદર વાંચશો. જોકે હું તો હવે એ કન્યાની લાગણીનો કે આપના છ મહિના સુધીના સદ્ભાવનો લાભ લેવા માગતો જ નથી. હું નાલાયક છું. મેં ઇશ્વરને દૂભવેલ છ," એમ બોલતો બોલતો એ ફરી વાર રડ્યો. "એક વાતે તો આપ ચાલ્યા ગયા તે સારું કર્યું."

"કેમ ?"

"આપનું ખૂન તો નહીં, પણ આપને માથે મરણતોલ માર પડવાની તૈયારી હતી."

"કોના તરફથી ?"

"નામ લેવાની હવે જરૂર નથી."

"તમને કોણે કહેલું ?"

"આપનાં પુત્રીએ."

"ક્યારે ?"

"એમની જોડે હું દાદર સુધી ગયો ત્યારે."

"સુશીલાને ક્યાંથી ખબર ?"

"આગલી રાત્રે ખુશાલભાઇ અને સુખલાલ આવેલા હશે. તેમની કાંઇક બોલચાલ પરથી તેમણે અનુમાન બાંધેલું, ને મારી તે રાતની તપાસમાંથી મને પણ જાણવા મળેલું."

ચંપક શેઠને થરથરાટી વછૂટી ગઇ.

"હવે તો લીલાલે'ર કરો. હવે તો એમને જ પોલીસમાં તેડાવીને કહી દેવામાં આવેલ છે. એટલે હવે તો આપ પોલીસને જૂઠું જૂઠું કહો ને તોય તેમના માથે પડે તેવું છે."

ચંપક શેઠને આ બંદોબસ્ત બહુ સરસ લાગ્યો. "કેસ ક્યારે ચાલશે ?" એમણે પૂછ્યું.

"હમણાં બાર વાગ્યે; એક જ કલાકમાં..."