પૃષ્ઠ:Vevishal.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

31

દિયર અને ભોજાઈ


"હો હમાલ !" શૉફરે તે રાત્રીએ સેન્ટ્રલ સ્ટેશને ગાડી ઊભી રાખી બૂમ મારી.

"હમાલની જરૂર નથી." નાના શેઠે પોતાની બૅગ ખોલતાં ખોલતાં શૉફરને અટકાવ્યો. શૉફરને કશી સમજ પડી નહીં.

ત્યાં તો બૅગ પાછી બંધ કરીને નાના શેઠ મોટરમાંથી બહાર નીકળ્યા. શૉફરે એમના હાથમાં ટુવાલમાં લપેટેલાં ફક્ત બે જ ફાલતુ કપડાં દીઠાં. એ કાંઇ પ્રશ્ન કરે તે પહેલાં જ નાના શેઠે સૂચના આપી :

"આ મારી બૅગ ને બિસ્તર પાછાં લઇ જા. પૂછે તો કહેજે કે જલદી પાછા આવવાનું છે એટલે વધુ સામાનની જરૂર નહોતી; ધોતિયું-ટુવાલ બસ છે."

"પણ રસ્તામાં બિછાનું..." શૉફરને આ બાપડાની દયા આવી, કેમ કે નાના શેઠનું શરીર એક સ્ત્રીના જેવું ગૌર અને સુકુમાર હતું. ગૌરતા ને સુકુમારતા એ બેઉ દયા-અનુકમ્પાના વીજળી-દીવા પેટાવવાની ચાંપ તુલ્ય છે.

"અરે ગાંડા, કેટલાંય વરસ બિસ્તર વગર આ પાટિયાં ઉપર ગુલાબી નીંદર ખેંચેલ છે. જા, તું તારે લઇ જા !"

એવી થોડી વેવલાઇ દાખવીને નાના શેઠે મુસાફરી શરૂ કરી. ગરમીના દિવસો હતા, એટલે શીતળ રાત મીઠી લાગતી હતી. પણ પોતે સૂતો જ નહીં. વસઇ, પાલઘર, સુરત ને ભરૂચ સુધી એણે દરેક સ્ટેશને ઊતરી ઊતરીને ચા પીધા કરી. સેન્ટ્રલથી એની આંખોએ આખી લાઇન પર ચકળવકળ ચકળવકળ જોયા કર્યું. એક સામટી ભૂખ ભાંગી લેનાર અકરાંતિયા રાંકા જેવી એની વિહ્વળતા હતી. એકલા બેઠા બેઠા એક ખૂણેથી બેસૂર ને ઘોઘરા રાગે એ જે ગીત બોલતો હતો તે પ્રેમનું હતું, હાસ્યરસનું હતું, કે વીરરસનું હતું, એ નક્કી થઇ શકે તેમ નહોતું, એ