પૃષ્ઠ:Vevishal.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગીત તો 'એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી' એ કરુણરસનું ગીત હતું, એવી સાચી વાત જો એ ડબાના શ્રોતાઓને કોઇએ કહી હોત તો તેઓએ કદાપિ માની જ ન હોત. કરુણરસ એના કંઠમાં કદી પેસી જ ન શકે. ગાતાં ગાતાં ચાલી રહેલી એના હાથપગની ચેષ્ટામાં કોઇને વીરરસનો વહેમ જાય કદાચ, એના મોં પરના મરોડો બેશક હાસ્યરસની જ આશંકા જન્માવે - બાકી કરુણનો તો કદી પત્તો જ ન લાગે. છતાં એ હતું તો કરુણનું જ ગાન.

વળતી સવારે તેજપુર ઊતરીને એણે ગામમાં પોતાની પેઢી પર ન જતાં બારોબાર થોરવાડનું વાહન શોધ્યું. આજ સુધીના આવા પ્રવાસોમાં પોતે મોટર-ટૅક્સી વગર ને ટૅક્સી ન મળે ત્યારે ઘોડાગાડી વગર ઘા ન કરતો; પણ તે દિવસ એનો જીવ કોણ જાણે શાથી પણ ચોરાયો. એણે એક બળદવાળો એકો જ બાંધીને થોરવાડનો કેડો લીધો.

આવા એકામાં કરેલી અનેક ખેપો એને યાદ આવી. થોરવાડમાં ગામને છેક છેડે બાપૂકી વેળાનું એક હાટડું માંડીને બેઉ ભાઇ ખજૂરનું એક વાડિયું રાખતા, ગ્યાસલેટનો એક એક ડબો રાખીને તેમાંથી પાઇ-પૈસાનું પાવળુંપળી તેલ વેચતા, અસૂરી રાતે ગામ બહારથી આવતો ચોરાઉ કપાસ તોળી લેતા, ખેડુનાં છોકરાંને ખજૂર અને ખોખાંની લાલચમાં નાખી ઘરમાંથી કપાસ, દાણા વગેરે ચીજો ચોરી લાવતાં શીખવતા. એ દશેક વર્ષ પૂર્વેના દિવસો કેમ જાણે આખે રસ્તે એને સામા મળી મળીને 'ભાઇ, રામ રામ' કરતા હોય એવી સ્મૃતિ જાગી ઊઠી. ખજૂરનું વાડિયું, ગ્યાસલેટનો ડબો તેજપુરથી ઉધાર લાવતા, માલ પૂરતું જ એકાભાડું ઠરાવીને પોતે બાજુએ ચાલ્યો આવતો, વૈશાખનો ધોમ ધખતો હોય ત્યારે એકાની ને બળદની પડતી આવતી છાંયડીમાં પોતે ચાલતો, પણ એક-બે આના એકાભાડાના વધુ નહોત ખરચતો, એ વેળા યાદ આવી.

ને એ એકાની ચલનશીલ છાંયડીમાં ફરી ચાલવાનું અત્યારે મન થતાં પોતે નીચે ઊતરી પડ્યો. એકાવાળા ઘાંચીની સાથે વાતો કરતાં