પૃષ્ઠ:Vevishal.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'સંતોકડી ઢેફલી' શબ્દોનો એના અંતરાકાશમાં ક્યાંય પત્તો ન મળ્યો. સુશીલા બે નાનાં બાળકોને નવરાવતી હતી. પિતાની સામે ફક્ત એક મીઠું કરુણાવાળુ સ્મિત કરી, કપડાં સંકોરીને બેઠી બેઠી એ તો 'પોટી'ને નવરાવવાની ક્રિયા કરતી જ રહી. ભાભીએ કામવાળી બાઇને કહ્યું : "જાવ, બહારથી એમનો સામાન લઇ આવો."

"આવે છે, સામાન હજુ પાછળ દૂર છે," એટલું જ કહીએ અંદર ગયો. બેઠકના ઓરડામાં ભાભી પાણીનો લોટોપ્યાલો લઇને હાજર થયાં.

"કેમ ભાઇ, ઓચિંતાના? શા ખબર છે?"

પોતાને ભાઇ કહેનાર - માત્ર કહેનાર જ નહીં પણ ભાઇતુલ્ય જતન કરીને સદા પૂર્ણ શીલથી પાળનાર - આ ભાભીને ભાળવાની સાથે જ પત્ની સાંભરી. પત્નીના અપમાનજનક કુશબ્દો યાદ આવ્યા, ને પોતાને પોતાનું નમાલાપણું કદી નહોતું દેખાયું તેવું અત્યારે પૂર્ણ સ્વરૂપે પ્રયત્ક્ષ થયું. આવી ભાભીને અપમાનિત કરનાર સ્ત્રીની જીભ મેં ત્યાં ને ત્યાં ખેંચી કેમ ન કાઢી !

પાણી પીને એણે જવાબ દીધો : "તમને તેડવા મોકલેલ છે."

"કોણે?"

"મારા ભાઇએ."

"કેમ એકાએક ?"

"રૂપાવટી જઇ વેવાણનું મરણ સુધાર્યું તે માટે."

ભાભી નિરુત્તર રહ્યાં.

"વળતી જ ટ્રેનમાં લઇને આવવા કહ્યું છે."

"હં-હં."

"નીકર કહ્યું છે કે, કોઇને ઘરમાં પગ મૂકવા નહીં દઉં."

"હં-હં. જોઇએ"

સાંજ પડી; ભાભીએ પૂછ્યું : "કહેતા'તાને કે સામાન પાછળ આવે છે?"

"સામાન તો પાછો મોકલી દીધેલો તે હું વીસરી ગયો હતો."