પૃષ્ઠ:Vevishal.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પાછો ક્યાં?"

"સેન્ટ્રલ સ્ટેશનથી જ પાછો મોટરમાં ઘેર."

"કેમ?"

"મારો એના માથે હક નહોતો. મને બીક લાગી કે મારા ભાઇ કોક દી એ પણ આંચકી લેશે."

રાત પડી. નિરાંતે કેટલીક વાતો થઇ. દિયરે કહ્યું : "ભાભી, અંદરથી આતમો જ ના પાડે છે. જે ઘર મારું નથી, મુંબઇની જે સાહેબીમાં મારો જરીકે લાગભાગ પહોંચતો નથી, તેમાં મોટાભાઇના આત્માને ઉદ્વેગ કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે."

"આપણે બધાં જ કેમ ગાંડાં બનવા લાગ્યાં છીએ !" ભાભીએ જરીક હસીને ઉદ્ગાર કાઢ્યો : "તમે આવા આળા મનના થઇ બેઠા ત્યારે એ બચાડા જીવનું કોણ?..."

પોતાના જેવી પત્નીથી તજાયેલા ધણી નાનેરા ભાઇને પણ હારી બેઠો છે એવી પ્રતીતિ થયા પછી પતિની નિરાધારીનું કલ્પનાચિત્ર એના અંતરમાં આલેખાયું ને 'બચાડા જીવ' જેવો જૂની આદતવાળો બોલ મોંમાંથી નીકળી ગયો.

દિયરે ભાભીને એકલાં બોલાવીને વાત કહી : "સુખલાલ મળ્યા હતા : મને તો પોતાપણું લાગ્યું હતું. હું અપુત્ર છું : પડખે એવો જમાઇ હોય તો મને સાચવે. મારા જેવા નપાવટને તો, ભાભી, સુધરેલો-ભણેલો બીજો કોઇ નહીં સાચવે."

"વાત તો મોટી કરો છો, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઇની ત્રાડ સાંભળશો તો ઊભા નહીં થઇ જાઓ કે?"

"તમે પડખે રહેશો ને, ભાભી, તો હું નહીં ઊઠું; ખીલાની જેમ ખૂતી જઇશ. હું શ્વાસ જ ચડાવી દઇને નિર્જીવ બની બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને, ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બનીશ."

"હું તો તમારી જ વાટ જોતી'તી, ભાઇ."