પૃષ્ઠ:Vevishal.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થાય છે, તોય એની વહુને કાં કેરીનું પારખું નથી? વાત કરો છો તે ઠાલા?"

"આ દયાળજી હમેશાં સુશીલબહેનનો પક્ષ બહુ ખેંચે."

"એમનામાં એવા ગુણ છે, આવડત છે; એને કોઇ બેવકૂફ બનાવી જાય કે રામ રામ ભજો."

કેરીઓ ઘોળવાની સૌની શક્તિને તેમ જ રસિકતાને અખૂટ રાખનારું ઝરણું આ સુશીલાબહેનનું નામ થઇ પડ્યું. બધા સામસામા જોઇ વાતો કરતા હતા; ઊંચું નહોતો જોઇ શકતો એક સુખલાલ. એણે કષ્ટ પામી પામીને આખરે સૌને પૂછ્યું:" જરાક હું સૂઇ લઉં? છાતીમાં દુખાવો થાય છે."

"સૂઓ ને બાપા! તમને જમાઇને ના પાડવાની કોની મગદૂર છે? લો, ગાદલું લાવી આપું? એ...ચોથા ખંડમાં પલંગ પડ્યો. ત્યાં જઇને પોઢો ને, બાપલા!"

એવા વ્યંગને કાને ધરવાની વેળા નહોતી રહી. સુખલાલનો દેહ લાદી પરજ લંબાયો ને પડખું ફેરવીને સૂતો. છાતીને એણે દબાવી રાખી હતી.

"હાલો, સૌને શેઠ બોલાવે છે," એક માણસે આવીને ખબર આપ્યા,"તળાવમાં નહાવા પડવાનું છે. રસ કાઢી કરીને જલદી આવી પહોંચવાનું છે."

"મજા થઈ, ભાઈ ! જામી ગઈ, ભાઈ!" એમ બોલતાં સૌએ ઝપાટો રાખ્યો. સુખલાલને સૂતો મૂકીને તમામ તળાવમાં નહાવા ઊપડી ગયા. જતાં જતાં એમણે દયા ખાધીઃ "એને બચાડાને પડ્યો રે'વા દેજો!"

સુખલાલને કાગાનીંદર આવી ગઇ હતી એટલે બીજાએ હાથ ધોતે ધોતે વધુ સ્પષ્ટ દયા દેખાડીઃ "કેવો મૂરખનો સરદાર છે ! હજીય પડ્યો છે આંહીં ને આંહીં. હજીય એને આશા છે. ઓલ્યો મોટો શેઠ જોયો છે! આખર ધક્કો મારીને કાઢશે."

"પણ રોક્યો છે શા માટે?"