પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોડો જય તોપણ શો ફરક પડનાર છે ? ગયેલી માનું મોં થોડું જોઈ શકાવાનું છે ?

"ફેર પડે. તારી હાજરી હોય તો તારા બાપા હિમંતમાં રહે ને છોકરાંને વાત વિસારે પડે, ભાઈ મારા."

"છોકરાંને તો-"

બોલતાં બોલતાં એણે જીભ થંભાવી. ખુશાલભાઈને વધુ શબ્દોની જરૂર પણ ન રહી, એણે કહ્યું :

"મારે તને ધકેલવો પડે છે તે એ કારણસર જ. છોકરાંને જેઓ તેડી ગયાં તેમની પૂરી વાત હું તારા બાપાના કાગળમાંથી સમજી શક્યો નથી. એ ભાભુ-ભત્રીજી દેશમાં એકાએક કેમ ઊપડી ગયાં, તારે ઘેર શા સારુ ગયાં, બધી શી બાબત બની, તાગ તો મેળવવો જોશે ને ! આંહીંથી ભાગેલ છે -- જાણે કે ઓલા સેતાન વિજયચંદ્રના પંજામાંથી છટકવા. પણ ચંપક શેઠના મનાઈ કરેલા માર્ગે કેમ ચડી શક્યાં ? બચવા માટે થઈને એણે વિચાર બદલ્યા કે શું ? તારો સસરો સ્નાન કરવા આવ્યો, એ પા નવાઈની વાત કહેવાય. ને અત્યારે પાછી નવી વાત સાંભળી -- તારો સસરો દેશમાં ઊપડી ગયો ને સામાન બધો પાછો મોકલતો ગયો. તું દેશમાં પહોંચ તો જ તાગ મળશે. આવ્યા લાગે છે દીકરા સાંડસામાં. માટે આપણેય મુરત છાંડવું નહીં. મારી નજર તો કન્યા માથે છે; છોડવા જેવી છોકરી નથી -- બાકી એ લાડવાચોરોની લખમીનો આપણે ઓછાયોય લેવો નથી. તેજપુર ગામની નાતમાંથી બુંદીના લાડવા ચોરનારા એ બેય ભાઈ તો એના એ જ છે. ચંપક ચોરવે વિશેષ ચાલાક હતો. મુંબઈમાં આવીને આસામી બાંધી છે એય પણ ચોરીને. આપણે ચોરીના માલનો ઓછાયોય ન જોવે. પણ એ કન્યાને, એ રતનને આ ચીંથરડાંમાંથી છોડી લીધે જ છૂટકો છે, તે વગર જંપ નથી. તે વગર ઊજળાં લૂગડાં પહેરીને મુંબ‌ઈમાં નીકળવું ઝેર જેવું લાગે છે. માટે કહું છું કે ઝટ દેશમાં પહોંચ."

સુખલાલ મનમાં મનમાં રમૂજ પામતો હતો. લાડવાચોરની લક્ષ્મીને