પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને કન્યાને જાણે ભલાઈથી ખુશાલભાઈ જતી કરતા હોય ! પીરસેલી થાળીમાંથી જાણે શાકપાંદડાં છોડી દઈ ડબ દઈને મોંમાં મીઠાઈ મૂકી દેવાની જ વાર હોય !

ફરી ખુશાલભાઈ બબડ્યા : "ન્યાતના વડે એ બેય ભાઈઓ લાડવા ચોરતા કેટલી વાર તો પકડાયેલા. મને યાદ છે : એક વાર હું હતો પીરસવામાં; મને ફોસલાવીને લાડવા કઢાવતા'તા. પણ છોકરીમાં એ સંસ્કાર જ લાગતો નથી."

સુખલાલને મનમાં મનમાં રમૂજ તો થઈ, કે કોને ખબર છે કે છોકરી ફરી વાર મારા જેવા ગરીબના ઘરમાં આવ્યા પછી ન્યાતમાંથી લાડવા નહીં ચોરે. તેની શી ખાતરી ? સુશીલા જો મળે તો પહેલી જ રાત્રીનો પહેલો જ સવાલ એ પૂછું : "લાડવા તને ચોરતાં આવડે છે કે નહીં ?"

એ શો જવાબ દેશે ? દેશે કે "ચોર પિતાની પુત્રી હતી તેથી તો મને તમારી ગેરહાજરીમાં તમારા ઘરમાં પેસી જવાની ચોરી આવડી ને !"

બેવકૂફ ! મૂઈ માતાનાં આંસુ તો હજી સુકાયાં નથી, ત્યાં તો પરણ્યાની પહેલી રાતનાં ચિત્રો આંકવા બેઠો છે ?

મા મૂઈ છે છતાં ઘેર જવાનું મન નથી થતું, કેમ કે ચંપક શેઠે પોતાના જીવનમાં પેસાડી દીધેલી પામરતાનું ટીપેટીપું નિચોવી નાખવાને એણે નિશ્ચય કરેલ છે. તેડવા આવેલ બાપને કહેલું વેણ એને કંઠે છે કે, 'મુંબઈમાં જ જીવીશ ને મુંબઈમાં જ મરીશ.' પુરુષાર્થની તેજભરી કારકિર્દી બતાવીને ચંપક શેઠને પડકારવો છે કે જો, મેં ચોરી નથી કરી; મેં તો મારા તાલકાની તપેલીને ભુજબળે માંજીને ચળકાટ આણ્યો છે. એવી ખુમારીમાં તડપતા સુખલાલને ખુશાલભાઈએ પીઠ ઠબકારીને કહ્યું :

"હવે બીક રાખીશ મા, હવે તું પાંચ દિવસ દેશમાં જઈ આવીશ તેથી તારો પુરુષાર્થ કટાઈ નહીં જાય. ને તારા મનની જે ઉમેદ છે -- ચંપક શેઠનો મદ ઊતારવાની -- તે ઉમેદને જ પાર ઊતારવાનો મોકો