પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બતાવું છું તને, કે ઝટ દેશમાં જા."

સુખલાલનું ઘડતર એ જ ભૂમિનું હતું કે જેને ખોળે ખુશલભાઈ આળોટ્યો હતો. સ્વાભાવિક જ હતું કે ઉચ્ચ ભાવના જે અસર ન કરી શકી હોત, તે અસર સુખલાલના દિલ પર ખુશાલની નીચલા પ્રકારની દલીલથી પડી શકી : ચંપક શેઠનો મદ ભાંગવો છે; એ સાપની ફેણ માથેથી સુશીલા સમા મણિને પડાવી લેવો છે--ભલે પછી એની ફેણના ટુકડેટુકડા કરવા પડે.

"તો હું બધો માલ ગોઠવી કાઢું."

"ઠીક, ગોઠવી લે. હું તેટલી વારમાં ત્યાં એક આંટો દઈ આવું -- રંગ તો જોઈ આવું !"

*

ઘંટડીની ચાંપ દાબ્યા પછી બારણું ઊઘાતાં વાર જ ખુશાલ ચંપક શેઠના મકાનમાં પેસી ગયો. સામું ઊઘાડવા આવનાર માણસ હાના કરશે એવી બીકે 'શેઠ ઘરમાં છે કે નહીં ?' એટલુંય ન પૂછવાની એણે પદ્ધતિ રાખી હતી. કેમ કે એ મુંબઇનાં કેટલાંય માકાનો પર જવા ટેવાયેલો હતો, કે 'જ્યાં શેઠ ઘરી નાય' એ એક જ સરખો જવાબ મહિનાઓ સુધી તમને મળ્યા કરે.

આંહીં પણ અર્ધ ખુલ્લાં બારણાં ધકાવીને ખુશાલભાઈ અંદર દાખલ થયો, ને શેઠ ઘેર નથી' એવું કહેનાર ઘાટીને એણે એક હળવા હેતભર્યા ધક્કાથી બાજુએ ખેસવીને કહ્યું : "ફિકર નહીં; આવશે ત્યાં સુધી હું રાહ જોઈશ."

પરબારો એ દીવાનખાનામાં જ પહોંચ્યો ને સોફા પર ટોપી ઉતારીને બેઠો. એના ખોંખારા, ખાંસી, ખાસ કરીને એની છીંક, એનાં બગાસાં, અને તે તમામ ચેષ્ટાઓની કલગીરૂપ એનું ગાન : જે જે ઘરમાં 'શેઠ ઘેર નથી'ની કાયમી સ્થિતિ હતી ત્યાં ત્યાં ખુશાલ આ ઓજારો અજમાવતો, ને ઘરના માલિકને કોણ જાણે કેમ પણ ઘરમાંથી પ્રગટ થવાની ફરજ પડતી.