પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખુશાલ તો હસતો રહ્યો ને ચંપક શેઠના ડોળા ઊંચા ચઢવા લાગ્યા.

"કાંઈ નહીં, કાંઈ નહીં, શાંતિથી બેસો," ખુશાલે ચંપક શેઠનું કાંડું છોડી દઈને કહ્યું.

કાંડું છૂટ્યા પછી શેઠનો અવાજ નીકળ્યો. અંદરના દીવાનખાનામાંથી એક જુવાન દોડી આવ્યો : એ હતો વિજયચંદ્ર. વિજયચંદ્ર આવી પહોંચ્યો તે પહેલાં તો ખુશાલે ફરી વાર શેઠનું કાંડું જકડી લીધું હતું.

"કોણ છો તમે ?" વિજયચંદ્રે હસતા ખુશાલને જુસ્સાથી પૂછ્યું.

"એમનો સ્નેહી છું, સગો છું. પૂછી જુઓ એમને -- ચોરડાકુ હું થોડોક જ છું."

"પોલીસને ટેલિફોન..." એટલો શબ્દોચ્ચાર ચંપક શેઠ માંડ કરી શક્યા, ને વિજયચંદ્રે ટેલિફોન તરફ બે કદમો ભર્યા; ત્યાં તો ખુશાલે વિજયચંદ્રને વીનવ્યો : "ઊભા રો', ભાઈ, ઉતાવળ કરો મા, નીકર નકામો મામલો બગડશે. મારા બોલ ઉપર વિશ્વાસ રાખો--મારે પાઈ પણ જોતી નથી."

થોડીવાર થંભેલો વિજયચંદ્ર ફરીથી તિરસ્કાર બતાવતો ચાલ્યો ત્યારે ખુશાલે ચંપક શેઠના કાંડાના મર્મસ્થાન પર જોરદાર મચરક દીધી. ચંપક શેઠના ડોળા ફાટ્યા રહ્યા. ખુશાલ એક ક્ષણમાં તો વિજયચંદ્રને આંબી ગયો ને એના કાન પાછળના મર્મસ્થાન પર પંજો દબાવીને હસતો હસતો એને પાછો તેડી લાવ્યો.

વિજયચંદ્રની તમામ શક્તિઓ શરીરને અતિ આકર્ષક અને મનને મહાન ખેલાડી બનાવવામાં રોકાઈ ગયેલી, તેથી ખુશાલભાઈના જેવી તાલીમ એણે લીધેલી નહીં. અદાલતી મામલામાંથી એને ચંપક શેઠ છોડાવી લાવ્યા હતા. તે પછી એને વિજયચંદ્ર પર ફરી મોહ પ્રગટ થયો હતો. સુશીલાને પરણાવું તો તો આની જ સાથે--એવો દુરાગ્રહ એનામાં દૃઢ થઈ ગયો હતો. પોતાની પસંદગીમાં ભૂલ થઈ જ નહોતી, એવું એ