પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાબિત કરાવવા માગતા હતા. સુશીલાના માટે હિતનું હોય તે જ કરવું, તેને બદલે પોતે જે કરે છે તે જ સુશીલાને હિતનું છે, આવી એમની દૃષ્ટિ બની ગઈ. બેઉ વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપમાં સુશીલા સાથેનું ચોકઠું બેસારવાના જ તાર ફરી વાર સંધાતા હતા; તેમાં પડેલો આ ભંગ ઘણો કમનસીબ હતો. પણ ખુશાલે તો તેનેય એક ખુરસી પર બેસાર્યો. બેઉને ફક્ત આટલું જ કહ્યું :

"આ મોડી રાતે તમે કોઈ પણ બહારની મદદ મેળવી શકશો તે પહેલાં બેમાંથી એકને પોતાનું જીવતર અતિ સસ્તું કરી લેવું પડશે. મને તો કાંઈ કરતાં કાંઈ વાંધો નથી--તમારી સંતોક ઘણે રંગેચંગે આ ભાઈ વેરે પરણે. મારો એ કજિયો નથી, કહો તો હું અત્યારથી જ વધાવો દેતો જાઉં (એણે ખીસાનું પાકીટ ખખડાવ્યું), ત્યારે આ તમારા જમાઈ પૂછશે કે મારી શી માગણી છે ? મારી માગણી સાવ નાની ને દુકાનીના પણ ખરચ વિનાની છે. અમારા સુખલાલ બાબતમાં બે તરકટી દસ્તાવેજી લખાણો એણે દબાવ્યાં છે, એ મને આપી દે. મારે એ રાખવાં પણ નથી. હું અહીં તમારા દેખતાં જ ચિરાડિયા કરું -- પછી છે કાંઈ ?"

"આપી દો ને ! શું કરવાં છે ?" વિજયચંદ્ર એ બેઉ લખાણો વિશે જાણતો હતો.

"હાં ! ડાયું માણસ," એમ કહી ખુશાલે વ્યંગ કર્યો: "બીજું તો કાંઈ નહીં, પણ અમારા સુખલાલને વીસ હજાર ભરતાંય કોઈ કન્યા નહીં મળે. બાકી તો શેઠિયા ! સુખલાલના અપુરુષાતનની કે આ ભાઈ વિજયચંદ્રના પુરુષાતનની ખાતરી કાંઈ દાક્તર બાપડો થોડો આપી શકે ? એ વિષય જ એવો હેં-હેં-હેં -છે કે પારખાં લેવાય નહીં."

ચંપક શેઠ ઊઠ્યા. ખુશાલ પણ વિજયચંદ્રના કાન ઝાલીને એને ઊભો કરતો ઊઠ્યો ને બોલ્યો: "ચાલો આપણે ત્રણે જણા તિજોરી સુધી સાથે જ જઈએ. કોઈને એકલા મૂકવાની મારી હિંમત નથી. હે-હે-હે-હે. તિજોરીનું કામ રિયું હે-હે-હે-"

બે-પાંચ વાર તો તિજોરીની ચાવી યોગ્ય સ્થાને લાગુ જ ન થઈ.