પૃષ્ઠ:Vevishal.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ફારગતી લખાવી લેવા માટે."

"શી ફારગતી?"

"કે હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી છૂટકો કરવા હું મારી રાજીખુશીથી માગણી કરું છું."

"મૂઓ પડ્યો તો તો! પછી એને કોણ દીકરી દેતું'તું!"

"એમ કંઇ કહેવાય નહીં. હમણાં જો મુંબઇમાં નસીબનો તડાકો લાગી જાય, પચીસ હજાર રૂપિયાની મૂડી લઇ ઘેર જાય, તો શું કન્યા ન મળે? શી વાત કરછ? કન્યા તે મર્દાઇને મળે છે કે રૂપિયાને?"

આ વાર્તાલાપ ઓરડાની બહાર, બંગલાની બહાર, તળાવની પાળ સુધી લંબાતો ગયો. ને સૌ પોતપોતાનાં સોરઠી ગામડાંની બાલ્યાવસ્થાના ખોળામાં આળોટતા આળોટતા તળાવના પાણીમાં ઝાડ પરથી પલોંઠીયા , કોશિયા ઇત્યાદિ જાતજાતના ધૂબાકા ખાવા લાગ્યા. કિકિયાટા મચ્યા, કાન પડ્યું સંભળાતું નહોતું. રસોઇ કરી લઈને બેઉ 'મહારાજો' પણ સૌની સંગાથે ભળ્યા હતા.

અર્ધોક કલાક એમ ગયો હશે ત્યારે 'મહારાજ!' 'મહારાજ!' એમ બોલતું કોઇક બાજુના ખંડમાંથી ચાલ્યું આવતું લાગતાં નીંદરમાંથી ઝબકીને સુખલાલ જ્યાં આંખો ઉઘાડે છે ત્યાં એણે 'મહારાજ નથી કે?' એવો પ્રશ્ન પૂછતી એક કન્યાને પોતાની સામે ઊભેલી જોઇ. એને જોતાં જ સુખલાલ ઊઠીને બાકીની એકાદ-બે કેરીઓ પડી હતી તે ઘોળવા મંડી પડ્યો.

આવનાર કન્યા સુશીલા જ હતી. એણે સુખલાલને પ્રથમ સૂતેલોને પછી બેબાકળો ઊંઘમાંથી ઊઠતો નિહાળ્યો; એ પાછી ફરવા જતી હતી, પણ એનાથી પુછાઇ ગયું: "રસોયો નથી?"

"મને ખબર નથી."

ઓરડાની અંદર પાછી ચાલી જઇને એ થોડીવાર થંભી ગઇ. એને ખાતરી તો હતી જ, કે આ જ પોતાનો વિવાહીત પતિ સુખલાલ છે. છતાં એકાંતે એને પહેલવહેલો જ જોયો. દૂરથી એ સુકાઇ ગયેલો,