પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાની લાયકીનો વિચાર થાય છે."

છેલ્લા છ મહિનાના સમાગમમાં કોઈ અદ્‌ભૂત ભાત પાડનારું આ જુવાનનું માનસિક પરિવર્તન ચંપક શેઠની આંખોમાં કામણ કરી રહ્યું. મનમાં થયું કે એ જૂના જમાનાની જડમૂર્તિ, જૂના વેવિશાળનો જિદ્દી પક્ષપાત કરતી એ મારી બોથડ ને મીંઢી બાયડી જો અત્યારે આંહીં આ સાંભળવા હાજર હોત તો એને ખાતરી થાત. મારી સુશીલા જો છૂપીને આ જુવાનના શબ્દો સાંભળી શકી હોત તો એના મનમાંથી એની જુનવાણી ભાભુએ ભરાવેલ ડૂચા ક્યારના નીકળી જાત. એ બધાંને દીવા જેવું દેખાત કે મારી આંખોમાં ઠરેલો છોકરો નાલાયક નીવડે નહીં. છેલ્લા બેચાર દિવસોનો ખળભળાટ નાહક આડે આવ્યો, પણ ફિકર નહીં. રૂપાવટીવાળો એ હરામખોર વાણિયો નક્કી આ ભાભુ-ભત્રીજીને રસ્તામાંથી જ આડુંઅવળું સમજાવી ઘેરે લઈ ગયો હશે. હવે જ્યારે એણે એનું પોત પ્રકશ્યું છે ત્યારે તો એની છાતી માથે થઈને જ મારે લગન કરવાં છે. હવે ન્યાતની મંજૂરી લેવાની શી જરૂર છે ? ન્યાત થોડો દંડ કરશે એટલું જ ને ! ચૂકવી આપીશ.

વિજયચંદ્રને એણે પૂછ્યું :

"ઉતાવળે લગ્ન પતાવી નાખીએ તો ન્યાતનો તમને ડર છે ખરો કે ?"

"મારે ક્યાં કોઈ ભાઈ કે બે'નને પરણાવવા ન્યાતનું શરણ લેવાનું છે ?"

"તો ચાલો. પરમ દી સવારે જ ઊપડવું છે."

"એક વાત પૂછવાની રહે છે."

"શી વાત ?"

"દુઃખ નહીં લગાડો ને ?"

"ના."

"આપનાં પત્નીને આ બધું ગમશે કે કેમ તે..."

"ન ગમે તો રસ્તા મોકળા છે. એક હાક માર્યા ભેગી