પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો આંખમાંથી દડ દડ ધાર નહીં છૂટી પડે ? હું એવો બાયડીવશ ધણી નથી ! પરમ દિવસ સવારની ગાડીમાં તમે બેસજો દાદરથી ને હું બેસીશ બોરીવલીથી. હવે પગથિયાં નથી મૂકવાં. સારા કામને સો વિઘન નડે. આ ખુશાલિયો પણ કાંઈક ખટપટ કરે એવો સંભવ છે."

વિજયચંદ્ર સ્થિર નયને તાકી રહ્યો. એવી રીતે તાકવાથી એની આંખોમાં જળ ઝબૂક્યાં. રેશમી રૂમાલમાં એ જળનો છંટકાવ થયો. આભારમાં આકુલ બનતી બે મૂંગી આંખો બતાવીને એણે વિદાય લીધી.

34

'ભલે આવતા!'


"ભાભી!" સુશીલાના પિતાનો સાદ સંધ્યાના અંધકારમાં ફાટી ગયો.

મોટાભાઈનો 'રોકાઈ જાઓ' એવો તાર મળ્યો એટલે એ તેજપુર ટપાલ વાંચવા ગયેલો. ત્યાંથી પાછા સાંજે ચોરવાડ આવીને એણે 'ભાભી ભાભી'ના પોકાર પાડતા ઘર શોધ્યું. ભાભુ તે વખતે ઓરડાના અંધકારમાં એક નાનું આસનિયું પાથરીને બેઠા હતા. એમણે દિયરના બોલ સાભળ્યા, પણ જવાબ દીધો નહી.

"સુશીલા ! સુશીલા !" પિતાએ બેબાકળા બૂમ પાડી : "ભાભુ ક્યાં છે ?"

"સામાયક [૧] કરવા બેઠેલ છે."

"કેટલીક વાર બાકી છે ?"

સુશીલાએ ભાભુની સામે પડેલી કાચની 'ઘડી' અજવાળે લાવીને જોઈ અને પિતાને કહ્યું :

"હમણાં જ બીજી ઘડી બાંધી લાગે છે."


  1. 'સામાયિક' ના મની જૈનોની ધાર્મિકક્રિયા હોય છે, તેમાં મુકરર કરેલો સમય પૂરો થતા પહેલા ઉઠાતું નથી, તેમ કોઈ સંસાર-કાર્યમાં ભાગ લેવાતો નથી.