પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એનો અર્થ એ હતો કે હજુ બીજો પોણો કલાક વીતશે.

એ પોણો કલાક વરસ જેવડો વીત્યો છતાય ભાભી ન ઉઠ્યા. એમણે ત્રીજી વાર એ ઘડી (કલાક-શીશી)ની રેતને ઊંઘી વાળી. એમણે શાંતિથી સુશીલને ફક્ત જ બોલ સંભળાવ્યો કે "મેં ત્રીજી ઘડી બાંધી છે."

ત્રણ કલાકની ધર્મશાંતિ પૂરી કરીને સામાયિક છોડી, આસનિયું (કટાસણું) ઉપાડીને ગડી કરી ઊંચે મૂક્યું; માળા, મુહપત્તી અને કલાક શીશી ઠેકાણે મૂક્યા. એ બધું નિહાળતો દિયર, નાના બાળકની જેમ ઊબરમાં જ બેઠો હતો.

"કેમ ભાઈ ?" એમણે દિયરને પૂછ્યું,

"આજે કેમ સામાયક ઉમેરતા જ ગયાં, ભાભી ?"

"તમે સાદ પડ્યા ત્યારે મનની સબૂરી ચળી ગઈ'તી, ભાઈ ! શુ હશે ને શુ નહિ હોય તેના વિચારે ચડી જવાનું'તું. એટલે પછી મનને સમતા શીખવવા બે સમાંકું ઉમેરવી પડી."

આ સાંભળીને દિયરને પોતાની અધીરાઈ ઉપર ભોઠાપણું થયું. ભાભીના ખુલાસામાં એક પણ સીધો શબ્દપ્રહાર નહી હોવા છતાં દિયરે પોતાના અંત:કરણને મૂંગો ઠપકો મળેલો અનુભવ્યો.

"તારનો ભરમ સમજાણો છે, ભાભી; મારા મોટાભાઈ પરમ દી આવે છે."

"ભલે આવે."

"ભેળાં વિજયચંદ્રને લાવે છે."

"લાવે ભાઈ, એમાં શુ ?"

"મારા ઉપર કાગળ છે કે સુશીલાના ઘડિયા લગનની તૈયારી રાખવી."

"હં-હં -"

"સુખલાલ આજ મુંબઈથી આવી ગયા."

"ક્યાં ગયા ? રૂપવટી ને ?" ભાભુના કંઠમાં આ સૂરોએ જુદા જ