પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝંકાર બોલાવ્યાં.

"હા. મેં કહ્યું છે કે સવારે આંહી સુધી આવી જાય."

"એ તો આવશે જ ને, માડી ! એના ભાંડરડા આંહી છે."

દિયરના શબ્દો પોલા વાંસમાંથી પવન સૂસવે તેવી ધ્રુજારી સાથે નીકળતા હતા. ભોજાઇએ ભલા દિયરના હૃદય-પોલાણમાં એક સરખા બંસીસ્વરો ઊઠે ને ધ્રુજારી શમે તેવા છેદ પાડવા માટે પોતાની શાંતિભરી ભાષાની છૂરી ફેરવતા હતા.

"આપણે શુ કરીશું, ભાભી ?"

"આપણે એમાં ગભરાવવાનું શુ છે ? તમારા મોટાભાઈએ, તમારે ને મારે, સૌએ કરવાનું છે તો જેમ સુશીલા કહે તેમ જ ને !"

"સુશીલાનું કહ્યું મારા ભાઈ શુ કરવાના હતા ?"

"દીકરી માથે હેત હશે તો કરશે."

"નહી કરે તો ?"

"તો પાછા જાશે."

"આપણને ધમકાવશે તો ?"

"તો ખમી લેશું."

"મુંબઈ ભેગા લઇ જશે તો !"

"ઉપાડીને કોઈ થોડા લઇ જવાનું હતું, ભાઈ !"

"ભાભી, મને બીક લાગે છે."

"હું એ જોઉં છું. ભાઈ ! પણ બીવા જેવું શુ છે ?"

"મારા ભાઈ તોફાન મચાવશે. કયાંક રાજની મદદ લેશે, એવા મારા મનમાં ભણકારા બોલે છે."

"તોય આપણી કઈ જવાબદારી છે ? રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે !"

"સુશીલા કોનાં બાવડાંના બળે જવાબ દેશે ?"

"મારાં ને તમારાં તો નહી જ."

"ત્યારે ?"