પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એનો જવાબ આપણને સવારે જડી રહેશે."

"કોની પાસેથી ?"

"સુખલાલ પાસેથી. એ કદાચ અહીં આવે કે ન આવે, માટે એક માણસ મોકલી વેળાસર તેડાવી લ્યો."

"એ શું જવાબ દેશે ?"

"એને આપણે એક જ વાત પૂછવી છે, કે ધણી તરીકે પ્રાણ દઈને પણ સુશીલાની રક્ષા કરવા સાટુ તૈયાર છો, બાપા? તને દંડશે, પીટશે, લૂંટશે, દબાવશે, તારા બાપનું ધનોતપનોત કાઢી નાખશે; તે બધુય ભોગવવાની તૈયારી હોય તો હા પાડજે, ને નીકર ના કહી દેજે. એટલે સુશીલાને કોની રક્ષા ગોતવી તેની સૂઝ પડે. પરણવાની તારી બીજી ત્રેવડ અમે જોઈ નથી, અમારે જોવીય નથી; જોવી તો રહે છે ફક્ત આ ત્રેવડ. સુશીલાનો હાથ ઝાલીને ખુવારીને છેલ્લે પાટલે બેસી જવાની ત્રેવડ. બસ, આનો જે જવાબ સુશીલાને જડે, તે ઉપર સુશીલાએ કેડ બાંધવી કે ન બાંધવી."

અંધારામાં એ ભાભી-દિયર ગુરુ શિષ્ય સમાં લાગતા હતા, ને સાંભળતે સાંભળતે દિયરના મનમાં કલ્પનાભૂતો, ડર અંને સંશયો ભેદાતાં હતાં.

"સુશીલાને કદાપિ તમે ને હું પરણાવી દઈએ, પણ એનો આખો સંસાર ચલાવી દેવા આપણાથી નહી જવાય. સુશીલાનું હૈયું ભલે બીજી બધી વાતે રૂપાવટીવાળાને ઘેરે ઠર્યું, સુખલાલ ભલે બીજા કરતા વધુ ગમ્યો, પણ સુખલાલના હૈયામાં કેટલું હીર છે તેની આપણને હજી પાકી ખબર ક્યાં છે ? પૂછો સુશીલાને. પછી બોલાવો સુખલાલને. આપણું જોર તો એની પીઠ ઢાંકીને ઊભવા માટે છે - છાતી તો એની જ જોરદાર જોવે ને ! આ કાંઈ જેવોતેવો મામલો નથી મચવાનો, વીર મારા ! હું સમજીને, કલ્પીને, છેલ્લી ગાંઠ વાળીને પછી જ મુંબઈથી નીકળી છું."

સુશીલા-સુખલાલના લગ્નની આડે પડનારો પોતાનો પતિ કેટકેટલી સમશેરો વીંઝવાનો છે. તેની એક દારુણ કલ્પના આ નારીના નેત્રો સામે