પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચકચકી રહી હતી. એની વિચારમાળાના મણકા ફરી ફરીને આજે છેલ્લા 'મેર' પર આવ્યા હતા. એની સાદી સાન સાબૂત હતી, સ્થિર હતી ને સીધીદોર હતી. લગ્ન સંબધની યોગ્યાયોગ્યાતાની છેલ્લી ચકાસણીની આ નારીને ગતાગમ હતી. ચાસણીનો તાર ક્યારે આવ્યો કહેવાય તેની એ સ્ત્રી જાતમાહેતગાર હતી. એણે કટોકટ ત્રાજવે પ્રશ્ન મૂક્યો :

'પરણવા માગનારની ખુવાર થઇ જવાની કેટલી તૈયારી છે ? લગ્નનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો - જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણનું ઘી.'

વળતા દિવસે સવારે સુખલાલ ઘોડે ચડીને આવી પહોચ્યો.

35

ભાભુનું લગનશાસ્ત્ર


ઘોડી પરથી ફલાંગ મારીને ઉતરતા સુખલાલને સુશીલાએ પરસાળની કિનાર પરથી જોયો. કમ્મરે એણે દુપટ્ટો કસકસેલ હતો. ને ધૂળથી બચવા માટે મો ફરતી બુકાની બાંધેલ હતી. એના માથા પર મુંબઈની ટોપીને બદલે આંટી પાડીને બાંધેલી પાઘડી હતી.

ઘોડીનીસરક પકડીને એ ડેલીમાં દાખલ થયો, ત્યારે મો પરની બુકાની ઉતારી નાંખી હતી. ભરેલું ગોળ મોટું આંટિયાળી નાની પાધડીએ વધુ શોભતું હતું.

એણે જોયા - પોતાના ત્રણ નાનાં ભાંડરડાં : પરસાળની કિનાર પર બેસીને ત્રણે દાતણ કરે છે. સૌથી નાનેરી પોટીને દાંતે દાતણનો કૂચડો વસતા સુશીલાના હાથ દેખાયા, આંગળા નજરે પડ્યા., ને ખુશાલભાઈના શબ્દોનો પડઘો ગુંજ્યો : "હાડતી છે, હો સુખલાલ ! લાગે છે તો ટકાઉ રાચ."