પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ એ રાચ કેવળ એકલું ટકાઉં હોત તો સુખલાલના નેત્રો આટલા સજળ ન બન્યા હોત, નાની છોકરી 'પોટી' એક અવાજ સરખોય કાઢ્યા વગર મો ફાડીને આ પારકી જણીની પાસે દાંત ઘસાવતી હતી. દાંત ઘસાવવાની ક્રિયા કેટલી અળખામણી છે, તે સમજવા માટે સૌએ પોતાની બાલ્યાવસ્થા યાદ કરવાની રહે છે. પોટીના દાંત પર કૂચડો પોચે હાથે ફરતો હતો, ને પોટી સંચાની પૂતળી પેઠે, સુશીલા એને જેમ ફેરવે તેમ ફરતી હતી.

"એ...હે...ઈ....મોતાભાઈ....ધુવો છુછીલા ભાભી...." સાત વર્ષનો ભાઈ ઊભો થઈને પગ પછાડતો પછાડતો લલકારી ઉઠ્યો : "ધુવો ધુવો. આ છુછીલા ભાભી...આપલી બા વઈ ગઈ - ને આ છુછીલા ભાભી આવાં...ધુવો (જુઓ) છુછી...."

કહેતે કહેતે એનો એક હાથ સુશીલા તરફ હતો, બીજા હાથમાં દાતણ હતું. એની ચડ્ડી ઢીલી થઈને નીચી ઉતરતી હતી. ને એની મોટી બહેન સૂરજ એને હાથ પકડીને હેઠો બેસાડવાની કોશિશ કરતી હતી, ત્યારે ફળિયામાં ઊભેલા સુખલાલના હાથમાંથી ઘોડી લઈને નાના શેઠ એકઢાળિયામાં બાંધતા બાંધતા હસતા હતા. સુશીલા તીરછી આંખે સુખલાલ તરફ મોં મલકાવતી હતી, ને સુખલાલ પોતાના બાળભાઈ ના એક બોલ પર હૈયું ટેકાવીને નીચું ન્યાળતો ઊભો હતો :

'બા ગઈ - ને ભાભી આવ્યાં.'

ઘોડી બાંધીને ઊઠેલા નાના શેઠ કહેવા લાગ્યા : "છોકરા પણ, ભાઈને કંઉ કે, લીબુના પાણીની જેમ આંહીં એકરસ થઇ ગયાં છે. લ્યો, ચાલો બેઠકમાં."

"છોકરો બેક વિશેષ બોલકો છે," સુખલાલ પોતાના નાનેરા ભાઈ તરફ મીઠી નજરે જોતો જોતો બોલતો ગયો. નાના ભાઈએ પોતાની મેળે જ સુખલાલને સંભળાવ્યું :

"હમણાં આવું થું, હો ! છુછીલા ભાભીને પૂથીને પથે આવું થું, હો મોટાભાઈ. પૂથ્યા વગલ નથી આવવાનો."