પૃષ્ઠ:Vevishal.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એના બોલ બોલ કરતા મોં પર હાથ મૂકવા મથતી બહેન સૂરજને સુશીલાએ હસી હસી હાથ ઝાલીને વારણ કર્યું, તે એણે બેઉ નાનેરા બાળકોના નાક-મો સાફ-સૂવાળા કરી પછી સૂરજને કહ્યું : "જાવ. ત્રણે ભાંડરડા તમારા ભાઈને મળીને પછી શિરાવવા આવો."

શા માટે સુશીલા આટલી ઉતાવળ કરતી હતી ! ભાંડુઓનો ભાંડુ સાથે મેળાપ કરાવવાની એ પરોપકારવૃતિ હતી ? એ પ્રશ્નના જવાબમાં પરોપકારવૃત્તિ અંદરથી બોલી ઉઠી : "દુત્તી ! એ છોકરાઓને મેળવવામાં ઊંડો ઊંડો મિલનસ્વાદ તો અગોચર ઊભીને તારી પોતાની જ સુંવાળી લાગણી લેવા માગે છે. અધીરાઈ તો આ એની છે, લુચ્ચી !"

એવા ટીકળખોર આંતર-સ્વરોને ટાળી દઈને નાસતી સુશીલા રસોડામાં લપાઈ ગઈ. પણ કોકના ધબ ! ધબ ! કરતાં પગલા એની પૂઠે પડયા હતા. કોઈક ધસી આવતું હતું. દીવાલને ઓથ દઈને લપાઈને દીવાલમાંથી કોઈક જાણે અંદર પેસતું હતું.

એ ધબકારા આખરે તો એના અંતરમાંથી ધમધમ કરતા હતા. મનમાં જાણે કોઈક ઘોડેસવારે પોતાનો નવલોહિયો અશ્વ કૂંડાળે નાખ્યો છે.

"ગગી !" ભાભુએ ધર્મક્રિયા પૂરી કરીને પ્રશાંત પગલે આવી કહ્યું : "રોટલાનો ભૂકો અને દહીંનો વાડકો એક થાળીમાં મૂકીને તૈયાર રાખજે. એને ચા પીવો હશે તો પછેં કરી દેજે. હું એને મોઢે ખરખરો કરીને આ આવી - હો કે ! રોટલાનો ભૂકો ઝીણો કરજે, હો બાઈ !"

કહીને પોતે બેઠકમાં ગયા. સુખલાલ ઉઠીને સામે આવ્યો. 'ભાભુ' ને એ નીચે નમીને પગે લાગ્યો.

"બેસો, માડી !" એ પછી થોડી વારનો મૂંગો ગાળો જવા દઈ ભાભુએ કહ્યું : "તમારા માનો આત્મા તો બહુ ભાગ્યશાળી : પૂરો પુન્યશાળી : પણ અમને લાખ રૂપિયાની ખોટ બેસી ગઈ. એની આવરદા ટૂપાઈ જવાનું મેં'ણું અમારે માથે આવ્યું. એને ધ્રાસકો ખાઈ ગયો, કે વહુ હારી બેઠાં."