પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખલાલે વધુ ને વધુ મૂંઝવણ અનુભવી ને નીચે જોયે રાખ્યું.

ભાભુએ કહ્યું : "સુખલાલ ! બેટા, આમ જુઓ."

સુખલાલે ઊંચું જોયું.

"આ બેઠા મારા દીકરા જેવા દેર-ને તમારા તમે જે ગણો તે. કાલ સાંજરે એને આ ઘરના પથરા કહી દેશે કે : "નીકળી જા, ઓટીવાળ ! ચાલ્યો જ. ગમે ત્યાં જા. ન જિવાય તો મરી જા !"

સુખલાલ કોઈ ભવિષ્યવાણી બોલતું લાગ્યું, ભાભુએ આગળ ચલાવ્યું :

"મુઝાશો મા, તમારે માથે કોઈ આફત ઓઢાળવી નથી. આ તો તમારા હૈયાનેય જે આંચકા આજ સુધી લાગ્યા હોય, જે જે અપમાનોના સૂયા ભોકાણા હોય તે તે તપાસી જોવા કહું છું."

"ભાભુ !" સૂરજે આવીને કહ્યું, "દહીં ને રોટલાનો ભૂકો તૈયાર છે."

"હાલો, થોડું શિરાવી લ્યો," એમ કહીને ભાભુએ સુખલાલને બીજા ઓરડામાં લઇ જઈ બેસાડ્યો; પોતે બહાર નીકળી ગયા. ને તે પછી સુશીલા હાથમાં થાળી લઇ દાખલ થઇ. સુખલાલને આ કન્યા પોતે જ જમાડવા આવશે એ સ્વપ્ને પણ નહોતું. એને સુગંધ આવી. એનું પૌરુષ ધમધમી ઉઠ્યું. એ સુશીલાને પોતાનો જ લાગ્યો. સાડીની મથરાવટી ને પાલવ સંકોડીને એણે થાળી પાટલા પર મૂકી કહ્યું :

"જમો." ને એના મલકાતા મોં પર ગુલ પડ્યા.

સુખલાલ ખોટેખોટું જમવા લાગ્યો. એના હાથ કોળીયો લેવાને બદલે આ પારકી છોકરીને ગાલે વગર વાંકે તમાચા લગાવવા તમતમી ઉઠ્યા.

સુશીલાએ કહ્યું : "મારે એક જ વાત પૂછવી છે."

"પૂછો." સુખલાલના રોમ સળવળ્યા.

"તમે તૈયાર છો ?"

"શાને માટે?"