પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"સવારે વહેલો ઊઠજે ને બેઠક સાફ કરાવી નાખજે. પંદર જણ જમનાર છે. કહી દેજે જે રાંધનારા હોય તેને, મીઠાઈ નથી કરવાની, મીઠાઈ સવારે આવી પહોંચશે. ફક્ત દાળ, ભાત, શાક ને ફરસાણ કરવાનું છે."

નાના ભાઈને એટલી વરધી દઈને ચંપક શેઠે સોડ તાણી લીધી. તે પછી વિજયચંદ્રે પોતાનાં કોટ અને ટોપી ગડી પાડી સંકેલીને પોતાના ઓશિકા નીચે દબાવ્યાં, અને નાના શેઠને નરમાશથી પૂછ્યું : "અહી સંડાસ, પાણિયારું વગેર ક્યાં છે ? ચાલો, જરા જોઈ લઉં !"

નાના શેઠ નારાજ દિલે જયારે વિજયચંદ્રને લઇ નીચે ઊતર્યા ત્યારે, ત્યાં ઉભેલા ભાભુએ તરત જ નોકરને કહ્યું : "જાવ મહેમાનને સંડાસ બતાવી આવો. અને પાણી તો ઉપર મૂકેલ છે."

થનાર સસરા સાથે થોડો વાર્તાલાપ કરવાની વિજયચંદ્રની ઈચ્છા ભાભુએ આ રીતે ફળવા ન દીધી, છતાં અથાક પ્રયત્નોમાં અચલ આસ્થા ધરાવનાર વિજયચંદ્રે નીચેની પરસાળમાં ઊભા રહીને ભાભુને સંભળાવવા કહ્યું : "મકાન તો સરસ છે. કેટલી બધી સુંદર સોઈ છે ! જરા મીઠું મળશે ? કોગળો કરી લઉં."

ભાભુએ જ રસોડામાંથી લાવી મૂંગે મોંએ મીઠું આપ્યું. વિજયચંદ્રે તે રાતે કોગળા કરવામાં મોંની વિશેષ ચોક્સીપૂર્વક ને લંબાણથી સંભાળ લીધી.

તોયે ક્યાંય સુશીલાનો પડછાયો ન દીઠો. ફક્ત કીચૂડાટ જ સંભળાતા હતા. ઘોડિયું કે ઘોડિયાને ખેંચનાર હાથ ન જ દેખાયાં.

'ભાવિમાં એક દિવસ આવા જ કિચૂડાટ...' વિજયચંદ્રની કલ્પના ત્યાં જ વિરમી ગઈ. ઉપર જઈને એ નીંદરમાં પડ્યો. એ નીંદરને સવાર સુધી સ્વપ્ના ચુથતા રહ્યા.

વહેલી પરોઢે ભાભુએ સુશીલાને જગાડી અને રસોડાનો આદર કરી દીધો. મેડી ઉપર શી વાત થઇ છે તે ભાભુએ સુશીલાને કહી નહોતી: ચુપચાપ અને ચીવટથી ભાભુ સસોઈની સજાવટ કરતા હતા :