પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'મીઠાઈ તો તેજપરથી આવવાની છે,' 'તું જો તો ખરી, ગગી, હું ભજીયાં ને ઢોકળાં કેવાં બનવું છું !' વગેરે ઉદગારો કાઢતાં કાઢતાં ભાભુ રસોઈના સમારંભમાં જે રસ બતાવતા હતા. તે પરથી સુશીલા ઊંડે ઊંડે મૂંઝાવા લાગી. 'જોઈ લેજે, વિજયચંદ્રને તારા કરેલા ભજિયાં વધુ ભાવતા કે મારાં કરેલાં આજ વધુ ભાવે છે ?' એવો પણ વિનોદ ભાભુ છાંટતાં ગયાં. ભાભુએ ભત્રીજીની દશા રેલવેમાં કરેલી તે પરોઢિયે ફરી વાર કરી. ઓછામાં પૂરું, આડે દિવસે કદાપિ ન ગાનાર ભાભુ અત્યારે તો ઊઠતાં ને બેસતાં, લેતાં ને મેલતાં, 'મારો વા'લો આવ્યાની વધામણી રે, આજની ઘડી રળિયામણી' જેવા ગીતોની પંક્તિઓ ગુંજતા હતા. સુશીલાની શંકા આ બધું સાંભળી સાંભળી એટલી દુષ્ટ બની કે તેણે રાતમાં ભાભુ મેડી ઉપર બાપુજી પાસે ગયાં હશે કે નહીં તેની ચોકસી માટે ભાભુને સીધા-આડકતરા કેટલાક પ્રશ્નો પૂછી જોયા, પણ ભાભુ પકડાયાં નહીં.

નવા પાટલા નવા ઢીંચણિયાં, કોકારનાં થાળીવાટકા વગેરે સામગ્રી પેટીપટારામાંથી બહાર નીકળતી ગઈ તેમ તેમ સુશીલા વધુ ગૂંગળાતી ગઈ.

મૂંઝાયેલી સુશીલા વચ્ચે વચ્ચે બાળકો પાસે જઈ આવતી હતી. ભાઈ-બહેનને સાચવતી બેઠેલી સૂરજે એક વાર એમ પણ પૂછ્યું :

"કેમ મોં પડી ગયું છે, ભાભી ?"

નાનો દિયર છાનોમાનો પૂછી જતો : "ભાભી, આજ બોલટાં કેમ નઠી ?"

"બોલું છું ને, ભાઈ !" સુશીલા જવાબ દઈને હસવા મથતી.

"હેં-હેઈ ! ભાભી ! ટમાલી આંઠમાં પાની-પાની-પાની ડેઠાય !" (તમારી આંખમાં પાણી દેખાય) જો પોટી !"

પોતાનાથી રોઈ પડાશે એ બીકે સુશીલા ત્યાંથી નાઠી.

ચંપક શેઠનું એ જ વખતે નીચું ઊતરવું થયુ. એ સૂરજ સામે ભ્રુકુટી ચઢાવી બોલ્યાં : "પછવાડે જઈને બેસો."