પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાના બેઉ ભાંડરડાંને પાછલી પરસાળમાં લઈ જઈને સૂરજ લપાઈ ગઈ ને સુશીલાની રાહ જોતી રહી. સુશીલા એ બાજુ આવી એટલે સૂરજે ધીમેથી પૂછ્યું : "અમે પાડોશીને ઘેર જઈને બેસીએ, ભાભી ?"

"ના, શા માટે ?"

"આંહીં કોઈને હરકત તો નહીં ને ?"

"ના રે, કેમ કોઈએ કાંઈ કહ્યું ?"

"ના, એ તો અમસ્તું."

"નથી ગમતું ?"

"ગમે કેમ નહિ ? તમારી આગળ નહીં ગમે તો......"

"તો બીજું શુ ? તમારા ભાઈ પાસે ગમશે."

"ભાઈ તો પછી - પે'લાં તમે."

"એમ ? તો તો જોજો હો - હોઈ વઢે કરે ને, કાંઈ થાય ને, તો પણ ગભરાશો નહીં ને ? ન ગભરાવ તો તમને સાચાં માનું."

"અમને વઢે તો તો નહિ ગભરાઈએ, પણ તમને વઢે તો ગભરાઈ જવાય."

"મને વઢે તો પણ આજે તો મન કઠણ જ કરજો. કાલે આપણે ઘેર જઈશું."

"મારા ભાઈ આવશે ?"

"આવવાના તો હતા, નહીં આવે તોય આપણે જશું."

એ બોલમાં થોડો રોષ ને થોડો વહેમ અવાજ કરતાં હતાં, કાલે બપોરે ગયેલો સુખલાલ હજુ કેમ રોકાય ગયો ? બીને ત્યાંથી ફારગતી તો નહીં મોકલાવી દીધી હોય ? આવ્યા'તા મોટે ઘોડે ચડીને ને બુકાની બાંધીને ! પણ મારા સસરાજીએ એને મોળા પાડી દીધા હશે તો ? તો એનો શો વાંક ? વાંક - સો વાર એનો જ વાંક ! ભાભુની કસોટીથી ડરી ગયા હશે ?

એણે સૂરજને પૂછ્યું " "તમારા ભાઈ કોઈથી બીવે કે નહીં ?"

"ઢેડગરોળીથી બહુ બીવે - બીજા કોઇથી નહીં."