પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શબ્દો ભરપૂર ગલોફાંમાંથી માંડ માંડ નીકળીને સુશીલાના કાને કાનખાજુરા જેમ અફળાતા હતા.

"પછી વાત."

એવું કહેતી સુશીલાન ધ્યાન ચૂલા બાજુ હતું. તે વખતે પાછળથી જઈને એના મોમાં એક મોટું બટકું હડસેલી દીધું ને 'નહીં - પણ નહીં' એવું કહેતી સુશીલાને કહ્યું : "ન ખાઈ જા તો તને વિજયચંદ્રની સોગંદ !"

"આ લ્યો ત્યારે," એમ કહેતાંની સાથે જ સુશીલાએ બટકું મોમાંથી ચૂલાની આગોણની રાખમાં થૂકી નાખ્યું, ને એણે ભાભુની સામે તે વખતે જે ડોળા તાણ્યા, તેથી તો 'માડી રે.... મારી નાખ્યા રે.... ભવાની મા કાળકા રે લોલ !' એવું ગાતા ગાતા ભાભુ તાળોટા પાડીને ગીત સાથે તાલ દેતાં રસોડા બહાર ચાલ્યાં આવ્યાં, ને ફરી વાર મીઠાઈ બટકાવતાં બરાબર સુશીલાની સામે બેઠાં. જાણીબૂજીને ઠાંસોઠાંસ ભરેલા એના ગલોફાંમાં એક ગામઠી ગીતોના ગૂંગળાતા હતા કે -

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો,
કે પાંદડું પરદેશી.
એનો પરણ્યો આણે આવ્યો,
કે પાંદડું પરદેશી.
એણે સોટા સાત સબોડ્યા,
કે પાંદડું પરદેશી.
ઈ તો ઝટપટ ગાડે બેઠી,

કે પાંદડું પરદેશી.

"જવાન માણસના પેટની ખબર શી પડે !" ભાભુએ સુશીલાની પ્રકોપપૂર્ણ ચુપકીદીને ભેદવા માટે બોલવા માંડ્યું : "રાતની રાતમાં તો વિચાર ફરીયે ગયા !"

"કોના ફરી ગયા ?" કરતી સુશીલા ઉઠીને ઓરડામાં આવી : "તમારા કે મારા ? મને એક ઔસ આયોડિન લાવી દ્યો ને, એટલે પીને સૂઈ જાઉં !"