પૃષ્ઠ:Vevishal.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને જો મોમાંથી કાઢ્યું છે ને તો જાણીશ કે મત કાચો છે."

એમ બોલીને ઊભાં થઇ ભાભુએ સુશીલાના મોમાં બટકું હડસેલી ફૂલેણ ગલોફાં પર એક ચૂમી લીધી; માથે હાથ ફેરવીને કહ્યું "

"મારી લાડકી ! ભાભુને હજુય ન ઓળખ્યાં ? હા-હા-હા-હા સાચું છે આજ હું ચક્રમ બની છું."

આજની ઘડી રળિયામણી
મારો વા'લો આવ્યાની વધામણી રે
આજની ઘડી૦


37

'મારી લાડકી'


તે પછી શાક કઢીના સબડકા ભરતે ભરતે આઠ-દસ મહેમાનોની પંગતે પંદર મિનિટ દીકરીઓની કેળવણી અને કેળવાયેલા મુરતિયાની અછત ઉપર વિવેચન ચલાવ્યું, ને બાકીની દસેક મિનિટમાં કઢી-ભાતના સબડકાનાં અલ્પવિરામો મૂકતે મૂકતે, તેજપુર ગામની પાંજરાપોળમાં ચંપક શેઠ પાસેથી કેટલુંક નાણું કઢાવી શકાશે એની ચકાસણી ચાલુ રાખી.

"તમે કહેશો તેમ! બે હજારના કાકા."

ચંપક શેઠના એ શબ્દોને 'હે...ઈ ખ...રાં' કહીને સૌએ ઓડકાર ખાતે વધાવી લીધા.

"હવે ખાઈ કરીને તું વહેલો ઉપર આવજે," પીરસવા-કરવામાં રોકાયેલા નાના ભાઈને એટલું કહીને ચંપક શેઠ ઉપર ગયા, થોડી વારે બ્રાહ્મણ આવી પહોંચ્યો, ને ચોખા, કંકુ, નાડાછડી ઈત્યાદિ માગી ગયો. ગોળ-ધાણાની થાળી પણ ઉપર ગઈ.