પૃષ્ઠ:Vevishal.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ વખતે ખડકીમાં જૂનાં ખાસડાનો ખખડાટ થયો. સુશીલાએ રસોડાની બારીમાંથી ધ્યાન કર્યું. ત્યાં તો પરસાળમાં ઊભેલો પેલો બાળક બોલી ઊઠ્યો: "હેઈ, બા...પ્પા! માલા બાપ્પા! છુછીલા ભાભી! બાપ્પા આવા! આપલને તેલવા આવા! હાલો, છુછીલા ભાભી!"

એમ કહેતો સુખલાલનો ભાઈ સુશીલાને કંઠે આવી બાઝી પડી બોલવા લાગ્યો: "હાલો ભાભી! હાલો-હાલો-"

"હાલો, ભાઈ, હમણાં જ જશું, હો ભાઈ!" સુશીલાએ દિયરને હૈયે ચાંપી લીધો.

દીપો શેઠ પરસાળ પર આવ્યા ત્યારે ત્યાં ઊભેલા સુશીલાના પિતાએ એને પિછાન્યા. મુંબઈમાં તો નહીં જેવો જ મેળાપ થયો હતો. આંહીં પણ છૂપો જ મેળાપ કરી લીધો. દીપા શેઠે તો ગામડાની રીતે - તે કરતાંય સુશીલાના પિતા પ્રત્યે સહજ ઊભરાતી પ્રીતિ - નાના શેઠને બથમાં ઘાલ્યા ને ઉદ્ગારો કાઢ્યા: "મારા બાપ! ખુશીમાં ? દીકરી સુશીલા આનંદમાં ! મારી તો સાત પેઢી ઉજાળી છે, બાપા! ક્યાં બધા મેડી માથે છે ના?"

"મામા!" ભાભુ બહાર નીકળીને બોલ્યાં: "જમવા બેસો." ઊઠેલી પંગતનો એઠવાડ પરસાળમાં હજુ પડ્યો હતો તે દેખીને દીપા શેઠે બે હાથ જોડ્યા: "ખાઈ કરીને નીકળ્યો છું, ઘેલીબે'ન!"

સુશીલાએ આ શબ્દો સાંભળ્યા ને કલ્પ્યું કે વહેલે પરોઢિયે ઊઠીને આ વૃદ્ધ માણસે ચૂલો ફૂંક્યો હશે!

"અંદર આવો," એમ બોલીને નાના શેઠે દીપા શેઠને ઓરડામાં લઈ જઈને મેસૂરનું બટકું હાથમાં લઈ, વેવાઈના મોં સામે ધરીને કહ્યું: "મોં ઉઘાડો."

"ન હોય, મારા બાપ, હજી આજ ન હોય."

"આજ જ હોય. કાંઈ હરકત નહીં, સુશીલાનાં સાસુ સ્વરગમાં ધોખો કરશે તો હું એ પાપ મારા માથે લઈ લઈશ - પણ મોં ખોલો, શેઠ...મારી સુશીલા, મારી દીકરી, મારી એકની એક લાડકી, મારું