પૃષ્ઠ:Vevishal.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી એણે મોં પર રમૂજ આણીને કહ્યું: "હવે હું જોઈ લઈશ તેજપરાના મહાજનનેય. જઈને માપી જોઉં છું એ ધરમાદાના ચોરોને!"

બહાર નીકળીને એ ઉપર ગયો. નાના શેઠ પણ સંગ્રામના સાથી બનવા પાછળ ચડ્યા. હિંમતમાં રહેવા માટે એણે દીપા શેઠનો હાથ પકડી રાખ્યો.

દીપા શેઠને દેખતાંવેંત આ દસ-પંદર પુરુષોનું મંડળ ન્યાયમંદિરનું ગંભીર રૂપ ધારણ કરી બેઠું.

"આવો, બેસો," સૌ ગાદી ઉપર બેઠેલાઓએ દીપા શેઠને આંગળી ચીંધી ફક્ત જાજમ પર બેસવા કહ્યું; પણ એ તો ચીંધેલી જગ્યા કરતાંયે દૂર, છેક જાજમની કિનાર પર જઈને બેઠા.

નાના શેઠે એની નજીક આસન લીધું. એને ત્યાંથી ખેસવવા માટે ચંપક શેઠ મૂંગા ડોળા ફાડતા રહ્યા, પણ મોટાભાઈની સામે એ જોતો જ નહોતો. અંદરના ઓરડામાં દાદર ઉપર ઊભેલાં ભાભીનું મોં માત્ર દેખાતું હતું, તેના ઉપર જ દિયરની મીટ હતી. ભાભીનો દેહ હજુ નીચે જ હતો.

બ્રાહ્મણ સૌને કપાળે તેલના રેગાડા ચાલે તેવા ચાંદલા કરવા લાગ્યો. વિજયચંદ્રે પોતાનો વારો આવતાં આસ્તેથી બ્રાહ્મણને કહ્યું: "તેલ છંટકોરી નાખો; ફક્ત કંકુ જ ચોડો."

"બહુ આનંદની વાત છે," મહાજનના અગ્રેસરે વિષય ઉપાડ્યો: "આ તો મહાન સુધારો છે. દીપા શેઠે ફારગતી આપીને બે માણસના ભવ બગડતા બચાવ્યા છે."

"ભવ બગડવાવાળી વાત શીદને કરવી પડે છે?" દીપા શેઠ દાંત કાઢીને કહ્યું.

"ત્યારે શું ભવ સુધરવાનો હતો?" ચંપક શેઠ ઊકળી ગયા.

"પણ-પણ-પણ ફારગતી કોણે કોણે - મેં ક્યાં - મને તો કંઈક બોલવા દીયો - " નાના શેઠે શૂરાતન બતાવ્યું.

"તું હવે મૂંગો મરી રે'ને? બેઠો છું બધા જવાબ દેનારો,"