પૃષ્ઠ:Vevishal.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રત્યેક છોકરામાં કુદરતી જ એક ભયભરી માન્યતા ઠસે છે કે છોકરીનો વાંક હશે તોપણ છોકરી છેક છેલ્લી ઘડીએ પોતાની જાતને બચાવી લેવા માટે છોકરા પર બનાવટી આળ નાખતી જશે. એને ખોટું બોલતાં તેમજ કૃત્રિમ આંસુ પાડતાં વાર નથી લાગતી. આંહીં સુખલાલને પણ આ અજાણી છોકરીની એવી જ કાંઇક ફાળ હતી. તેમ આ ઊભી ઊભી મને બનાવતી તો નહીં હોયને, એવો સંશય પણ પાછળથી એના મનમાં પેદા થયો. એ હવે જાય તો આફત ટળે!

પણ સુશીલાના પગ તો વધુ ને વધુ ચોટતા ગયા. બહાર તળાવમાં ઉપરાઉપરી ભફાંગ ભફાંગ અવાજો બોલતા હતા, પાણીની દેગડીઓ ચડી રહી હતી. નાહનારાઓનું કિકિયારણ મચ્યું હતું. નીકળી જનારાઓને ફરી ધસડી જઇ ને પાણીમાં નાખવાનાં તોફાનો પણ સંભળાતાં હતાં. મોટા શેઠ ને નાના શેઠ પણ તળાવ પર હતા, એ તેમના ઘાંટા પરથી સુશીલા પારખતી હતી. મોટા બાપુજીનું ગળું, એકદમ બની ગયેલા લક્ષ્મીવંતોના જેવું ભરડાઇ ગયેલું હતું.

એ બધા સ્વરો વચ્ચે ભાત પાડતો એક મોટરનો ગર્જના-નાદ ઊઠ્યો, અને સૌનો સત્કાર-સ્વર ઊઠ્યોઃ "ઓહો ! વિજયચંદ્રભાઇ ! ચાલો, જલદી કપડાં ઉતારો."

મોટરમાંથી ઊતરનાર એક સંસ્કારી દેખાતા જુવાનને લેવા માટે મોટા શેઠ સામા ગયા, ને પછી બેઉની વચ્ચે "કેમ મોડા પડ્યા?" "સેતલવાડ સાહેબને મળવા જવાનું હતું."..."સર પી.નો કાગળ આવી પડેલો" વગેરે વાર્તાલાપ થતાં થતાં બેઉ જણા બંગલામાં ચડ્યા.

મોટા શેઠે બૂમ પાડી : "ક્યાંછે સુશીલાનાં બા ને ભાભુ વગેરે? આ વિજયચંદ્ર આવી પહોંચ્યા છે, લો હવે પીરસવાની તૈયારી કરાવો. મા'રાજ ક્યાં છે?" એમ બોલતાં બોલતાં મોટા શેઠ રસોડામાં દાખલ થાય તે પૂર્વે સુશીલાથી એ સ્થાન છોડી શકાયું નહોતું. મોટા બાપુજીને દેખીને એણે ચાલવા માડ્યું, ત્યારે એની આંખો ઉશ્કેરાયેલી હતી; એને પણ મોટા શેઠે કહ્યુઃ