પૃષ્ઠ:Vevishal.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવા શબ્દો સુશીલાના હીબકાંમાંથી ઊઠતા હતા. એ શબ્દોનું વાકય બની શકતું નહોતું.સુશીલા જે કહેવા માગતી હતી તેનાથી ઊંચો જ ભાવ એની બાએ એના બોલમાંથી ઊઠાવ્યો હતો.

"ભાભુને -ભાભુને -આંહીં - બોલાવો." સુશીલાએ કહ્યું.

એને ભાભુ પર વહાલ અને શ્રધ્ધા હતાં મોટા શેઠનાં સંતાનવિહોણાં પત્ની એત્યંત ગરવાં હતાં, ને સુશીલા પર તેમનો જ સંસ્કારપ્રભાવ હતો.

"ભાભુના પડખામાં રહીને જ તું એના જેવી ભલીભોળી બની ગઇ છો," એમ બોલતાં એની બાએ પોતાની જેઠાણીને બોલાવ્યાં: "આ તમારી રઢિયાળી બોલાવે છે તમને, ભાભીજી?"

"કેમ બેટા?" ભાભુએ કશો જ ઉકળાટ બતાવ્યા વગર પૂછ્યું.

"મોટા બાપૂજીને કહો કે કોઇને કંઇ કહે નહીં."

"ન કહે તો શું સાંખી લ્યે ! પરણાવ્યા જેવડી દીકરી જોડે આંહીં એકાંત કરતાં શરમ ન આવી રૂપાળાને! કાઢો ને હવે આંહીંથી, કાંઇક છૂટકો પતાવો ને આ વાતનો!"

સુશીલાની બા આંહીંથી જે બોલતાં હતાં, તેને મોટા શેઠ બહાર ઊભા ઊભા ઝીલતા હતા. "એ હવે તમે તમારે જોયા કરો. તમારા જેઠને બધીય વિદ્યા આવડે છે. તમારા જેઠે પંદર વર્ષથી મુંબઇ ખેડી છે.એની પાસે એકોએક તાળાની ચાવી છે, હવે તમે તમારે તાલ જોયા કરો. ઘીને ઘડે ઘી થઇ રે'શે, બાપા! મને કાંઇ થોડી ચાટી ગઈ હશે? શું કરું? ગમ ખાઇને બેઠો છું, કેમ કે ઘરનું માણસ જ મને મોળો પાડી દે છે ને! નીકર હું આટલી વાર લાગવા દઉં કાંઈ?"

"સબૂરી રાખો, સબૂરી રાખો; ઉતાવળા સો બાવરા થાવ મા," જેઠાની હજુય પતિને એ જ જાપ સંભળાવતાં હતાં.

આ હાકોટા તળાવની પાળે પછડાયા. નાહાવાનું થંભી ગયું. શી નવા જૂની થઇ તેની કોઇને જાણ નહોતી. ભણકારા વાગી ગયા એક ફક્ત સુખલાલના ભેજામાં. પણ આ તોફાનમાં સુશીલા શો ભાગ ભજવી