પૃષ્ઠ:Vevishal.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ટોપી આસ્તેથી ઉતારીને પોતાની બેઠક ઉપરની જ ખીંટી પર લટકાવ્યાં. બાકીના તમામે પોતાના કપડાં દીવાનખાનામાં ઉતાર્યાં હતાં. આવા એક નાના કામમાં પણ વિજયચંદ્ર બીજા સૌથી જુદો તરી આવ્યો. એની ટોપી નીચેથી પ્રકટ થયેલું માથું ચીવટ અને સુવ્યવસ્થાનો એક અપૂર્વ નમૂનો હતું. એકે‌એક વાળ પોતાને સ્વસ્થાને લશ્કરી શિસ્તનું પાલન કરતો હતો. જુલફાં ઊડ ઊડ થતાં રાખવાની વિજયચંદ્રની આદત નહોતી. એનું ખમીસ પણ કોઈ જીવતું સાથી હોય તેવી સાચવણી પામતું, શરીર સાથે પૂર્ણ મહોબ્બતથી મેળ ખાતુ હતું, એના ધોતિયાનો એક પણ સળ ઉતાવળ, બેપરવાઈ અથવા 'ઠીક છે, ચાલશે' એવું ક્ષુદ્ર સંતોષીપણું બતાવતો નહોતો. એક પણ ચરકા કે વાળ વગરની એની હજામત પણ જીવન જીવવાની કળાની સાક્ષી પૂરતી હતી.

એને પોતાની અડોઅડ બેસારીને જમતાં જમતાં મોટા શેઠે ઠીક વાતો જાણી લીધી. પિતામાતા નાનપણથી જ ગુજરી ગયાં છે. પોતે બહેનબનેવીને ઘેર ઊછર્યો હતો. ટ્યૂશનો કરીને અભ્યાસ આગળ ધકેલ્યો છે. "વચ્ચે બે વાર નોકરી કરવી પડેલી તેથી ભણતર છોડી દીધેલું. નહીંતર તો વીસ વર્ષે ગ્રેજ્યુએટ થઈ ગયો હોત. શેઠ મનસુખલાલ બાલાભાઈ તરફથી વિલાયત જનાર છું. તેમના બિઝનેસની એક શાખાની ખિલવણીમાં મારે માટે 'ફ્યુચર પ્રૉસ્પેક્ટ્સ' (ભવિષ્યની આશાઓ) છે."

"વિલાયત કેટલું રહવું પડે તેમ છે?"

"બે'ક વર્ષ."

"પછી તો દેશમાં જ સ્થાયી થવાના ને?"

"હા જી."

વિજયચંદ્ર પણ કાઠિયાવાડના ગામનો જ વતની હતો. એના કુળની સાથે તો ઘણી નજીકની સંબંધ-કડીઓ નીકળી પડી. અને મોટા શેઠને જોકે વિજયચંદ્રના કુળનું સ્થાન પોતાના કુળથી ઊતરતું લાગ્યું, છતાં છોકરાનું કરમીપણું તેમના મન પર સજ્જડ છાપ બેસાડી ચૂક્યું.

"આવો, બંગલો તો જોઈએ," એમ કહી મોટા શેઠે વિજયચંદ્રને