પૃષ્ઠ:Vevishal.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જમ્યા બાદ આસપાસ આંટા મારવા માટે સાથે લીધો. વિજયચંદ્રે જેટલા જતન પૂર્વક કોટ અને ટોપી ઊતાર્યાં હતાં તેનાથી વધુ ચીવટ રાખીને પાછાં તે ચડાવી લીધાં. એનાં ડગલાંની બાંય ન જોનારની આંખે પણ ઊડીને વળગે અને અવાજ કરી કરીને જાણે કહેતી લાગે કે 'જુઓ, છે મારા પર એક પણ કરચલી?' એટલી બધી એ અકબંધ રહેતી. છતાં ખૂબીની વાત તો એ હતી કે વિજયચંદ્રની આ સુઘડતા, ટાપટીપ અથવા ઠઠારો, આછલકાઈ અથવા વરણાગિયાવેડા ન લાગે. પ્રયત્નથી માણસ શું નથી કરી શકતો? પરસ્પર વિરોધી જેવી લાગતી છતાં શું એ સાચી વાત નથી કે માણસની સ્વાભાવિક દેખાવાની સફળતા પણ પ્રયત્નોની જ સિદ્ધિ છે? વિજયચંદ્રની બાબતમાં તો પ્રયત્ને અને ઉદ્યમે જ આ ભાગ ભજવ્યો હતો, નહીંતર એના ગજવામાંથી દેખાતો રૂમાલ રેશમી અને ખુશબોદાર હોવાં છતાંય કેમ સભ્યતાનો જરાય ભંગ નહોતો દાખવતો ! જોનારને જરાય અરુચિકર તો ન થાય , પણ ઊલટું એમ જ લાગે કે વિજયચંદ્રના ગજવાનો રૂમાલ બરાબર એટલો જ બહાર દેખાવો જોઈએ ને સુગંધિત પણ એટલો જ હોવો જોઈએ. ન હોય તો તેટલું એનું વિજયચંદ્રપણું - એનું વ્યક્તિત્વ - ખંડિત !

આંટા દેતાં દેતાં, આડીઅવળી કૌટુમ્બિક વાતો કરતાં ' આ બંગલો ખરીદીએ તો તમને કેમ લાગે છે.' એવો અભિપ્રાય પૂછતા મોટા શેઠ એને બૈરાં બેઠાં હતાં તે ખંડમાં તેડી ગયાં,; પોતાની પત્ની સાથે ઓળખાણ પડાવી: "આમનાં ફઈબાને તો તમે સારી પેઠે ઓળાખો : તામારા પિયરના એ તો નજીકના સંબંધી : આપણી ન્યાતમાં તો સામસામાં કેટલાં બધાં સગપણો નીકળી પડે છે ! આ ભાઈ મનસુખલાલ બાલાભાઈ શેઠના ખાતા તરફથી વિલાયત જનાર છે." વગેરે.

મોટાં શેઠાણીએ પોતાનું મોં ઊંચું કરીને વિજયચંદ્રને જોઈ લીધો. જોયા પછી તેની આંખો પતિ તરફ જ રહી, ચકળવકળ ચારે બાજુ આંખો નચાવવાની એને ટેવ નહોતી. નિ:સંતાન હોવાથી એનું નારી રૂપ ચાલીસ વર્ષે પણ ત્રીસથી વધુ કળાવા દેતું નહીં. ગરવું માનવી કેવું