પૃષ્ઠ:Vevishal.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય એનો કોઈ જીવતો આદર્શ બતાવવા માટે સૈકાઓ સુધી સાચવી રાખવાનું મન થાય, ને મૂઆ પછી મસાલા ભરી પણ એ દેહનું જતન જરૂરી લાગે, એ આ સ્ત્રીને જોનારના મનને સ્વાભાવિક હતું.

"ક્યાં ગઈ સુશીલા?" મોટા શેઠે વાતમાં ને વાતમાં સહજ લાગે તેમ પૂછી લીધું. પણ વિજયચંદ્ર, મોટાં શેઠાણી, લાજ કાઢીને બેઠેલાં નાનાં શેઠાણી, તેમ જ બાજુની ઓસરીમાં ઊભેલી સુશીલા, વગેરે બધાં આ ખબર પૂછ્યાનો ને આ પારકો બંગલો બતાવવા માટે પરોણાને છેકે સ્ત્રીઓની બેઠક સુધી લઈ આવવાનો શેઠનો મનોભાવ સમજી ગયાં હતાં.

"આ રહી." સુશીલા જ્યાં હતી ત્યાંથી બોલી.

"કાં બહેન, ત્યાં કેમ ઊભી છો? આંહી આવ ને ! તું જમી ? કેટલા વાટકા રસ પીધો ? રસ ખાવે તો સાવ નાદાર છે સુશીલા !"

દરમ્યાન સુશીલા જરા પણ શરમિંદી બન્યા વગર ઓરડામાં આવીને ઊભી હતી. એને જોયા પછી મોટા શેઠના મનમાં એટલો તો વસવસો રહી ગયો કે અરધા કલાક પહેલાંના રુદનવાળું મોં સુશીલાએ ધોઈ નાંખ્યું હોત તો ઠીક થાત. બેશક, વિજયચંદ્રની આંખોએ તો ધોયેલા મોં કરતાં આંસુવાળું મોં જ વધુ સોહામણું માન્યું. વિજયચંદ્ર નાની વયમાં પણ એટલું તો સૌંદર્યશાસ્ત્ર સમજી ચૂક્યો હતો કે નારીરૂપને સદાકાળ નવપલ્લવિત રાખવા માટે જ પ્રકૃતિએ એની આંખો પાછળ અખૂટ અશ્રુ-ટાંકાં ઉતાર્યાં છે.

છેક સાંજે ઉજાણી વીખરાઈ ત્યારે વિજયચંદ્રને શેઠે મોટરમાં સાથે લીધો. એ શૉફરની બાજુમાં બેઠો. પોતાની પછવાડે મોટાં શેઠશેઠાણી તથા બેઉ વચ્ચે સુશીલા બેઠી છે. એ પોતે પાછળ જોયા વિના પણ જાણી લીધું. મોટા શેઠે વિજયચંદ્રના ગળામાં આખે રસ્તે વાતોનો ગાળિયો નાખીને પોતાની તરફ જ જોઈ રાખવાની મીઠી ફરજ પાડી હતી. મોટા શેઠ તરફ મંડાયેલી એની આંખોને સુશીલા તરફ નિહાળવા માટે જરા ત્રાંસી પણ થવાની જરૂર નહોતી, તેમ છતાં એ શાણો જુવાન