પૃષ્ઠ:Vevishal.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સીધી લીટીથી એક દોરવા પણ દૃષ્ટિને ચાતર્યા વગર આખે માર્ગે એક શેઠની જ સામે જોઈ રહ્યો. કેટલાકને ત્રાટક-વિદ્યા સ્વાભાવિક પણે વરેલી હોય છે.

રસ્તામાં એને સર પી. ને બંગલે જવાનું હતું એમ પોતે કહ્યું હતું એટલે શેઠે ગાડીને મલબાર હિલનો ચકરાવો લેવરાવીને પણ એના કહ્યા મુજબ ઉતારી મૂક્યો. વિદાય લેતાં કહ્યું : "કોઈક વાર રાતને વખતે નિરાંતે આવતા રહેજો, વ્યાપારની વાતો કરીશું."

પછી મોટા શેઠે માર્ગમાં પત્નીને કહ્યું : " આજની મારી ઉજાણી તો કડવી ઝેર થઈ જાત. જો આ માણસ ન આવ્યો હોત તો, કાંઇ જેવો તેવો ગજબ કરી નાખ્યો છે એ કમજાતના પેટનાએ !"

સુશીલા બીજી જ બાજુ જોઈ ગઈ હતી, તેમ ભાભુએ પણ પતિને જવાબ ન આપવામાં જ ઘર સુધીની મુસાફરીની સલામતી માની મૌન સેવ્યું હતું. ધણીને બોલવું હતું તેટલું બધું જ બહાર ન આવી શક્યું ! વાર્તાકાર હોંકારો મળ્યા વગર હતોત્સાહ બની ગયો.

સુશીલાની મોટર જ્યારે ઘેર પહોંચી ગઈ હતી અને વિજયચંદ્રના ખમીસનો કૉલર જ્યારે મલબાર હિલના શીતળ પવનહિલોળામાં પોતાની પાંખો હલાવતો હતો, ત્યારે પ્રાણજીવન વગેરે દુકાન-ગુમાસ્તાઓની મોકળી મશ્કરીઓના માર ખાતો સુખલાલ હજુ ત્યાંનો ત્યાં ઉજાણીનાં ઠામડાં ગણતો, છરી-ચપ્પાંને કોથળામાં નાખતો, વધેલા તેલ-ઘી અને મીઠું -મસાલા પાછાં ભરી લેતો દોડાદોડ કરતો હતો. કેમ કે રસોયાઓ પોતાના કામથી પરવારી ગયા પછી પાનતમાકુ ખાવાનો તેમ જ સૂવાનો હક ભોગવતા હતા. પ્રાણજીવન પોતાની એ પછીની ફરજ સૂતો સૂતો સૂચનાઓ આપવા પૂરતી જ સમજતો હતો. પ્રાણજીવન સિવાયના પણ ઘણાખરાએ એમ જ કહી દીધું કે "આખરે તો આ બધો સ્વારથ સુખલાલ મે'તાનો જ છે; ઠામડાં-ડાબલાંની માલિકી એમની છે, અમારી નથી. એક પવાલું પણ આઘું પાછું થશે ને નાનાં શેઠાણી હાજરી લ‌ઇ નાખશે, તો સુખલાલ મે'તા ! અમે તો કહીશું કે તમારા જમાઈને ભળાવ્યું હતું."