પૃષ્ઠ:Vevishal.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંજે સરંજામ ખટારામાં ભરીને સૌ દુકાનવાળાં મુંબઈ ઉપડી ગયા, તે પછી ત્રીજે જ દિવસે શનિવાર આવ્યો.

એ શનિવારની અધરાતે સુખલાલના મગજનો કૂપો એકાએક ફૂટી ગયો અને બહોળી નાખોરી ફૂટી.

- ને એ હરકિશનદાસ હોસ્પિટલમાં પહોંચતો થયો.

5

ઇસ્પિતાલમાં

ભોંયતળિયાના માફી-વૉર્ડમાં પડેલો સુખલાલ પોતાની માંદગીને આશિષ આપતો હતો. પોતાની નિયમબંધી સારવાર થતી હતી તે ઉપરથી પોતે એવું માનતો હતો કે મોટા સસરાએ દવાખાનાવાળાઓને ખાસ ભલામણ કરી હશે. મારી બાની સારવાર આવે સ્થળે થતી હોય તો જરૂર જલ્દી સાજી થઈ જાય : આંહીં તો મને મારી જાણે પડખું પણ ફેરવવા ન દેનારી આ ગોરી ગોરી નર્સ બાઈઓ હાજર છે ! આટલી બધી સ્ત્રીઓના સજીવ સમાગમમાં હું કદી નહોતો આવ્યો.

પોતાને આખે શરીરે ગરમ પાણીનું 'સ્પંજિંગ' કરીને પાઉડર છાંટી દેનારી એ પરિચારિકાઓ એને સ્વર્ગમાંથી ઉતરી આવેલી દેવકન્યાઓ લાગી. મને આંહીંથી જલદી રજા ન આપી દે તો પ્રભુનો પાડ માનું, એવો એનો મનોભાવ હતો.

બાજુના ખાટલાવાળાઓ પાસે એમનાં કુટુંબીજનો રહેતાં, કેટલાંય તો સવારસાંજ તબિયત જોવાને બહાને ટોળે વળી આવતાં. પોતાને ખાટલે કોઈ ન હોવાને લીધે સુખલાલ સૌનું ધ્યાન ખેંચનારો થઈ પડ્યો. અનેક સ્ત્રીઓ, યુવતીઓ, કુમારિકાઓ આ દિવસોના દિવસો એકલા પડ્યા રહેતા જુવાનને દેખી અંદર અંદર વાતો કરતી કે એને આંહીં મા-બહેન