પૃષ્ઠ:Vevishal.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક દિવસ બપોર હતો. બહારના મુલાકાતીઓને મળવાની વેળા નહોતી. પડોશી આજારી 'કાકા'ની પત્ની, કે જે કાકાથી અરધી જ ઉંમરની હતી, તેણે મોસંબીની કળીઓ કાઢીને એક રકાબી પોતાના સ્વામી 'કાકા' - ને આપી, તથા બીજી એક રકાબી એ સુખલાલને દેવા ગઈ કે તરત જ નર્સ વગર કશી હિલચાલ ન કરી શકનાર કાકાએ ઝડપથી ફરી જઈને સુખલાલ સાથે પોતાની 'નવી' શી તાણખેંચમાં રોકાઈ ગઈ હતી તે જોયું. રકાબી લેવા સુખલાલ સ્મિત કરી ના પાડતો હતો, 'નવી' આગ્રહ કરતી હતી ને પૂછતી હતી : "તમારે મા કે બહેન આંહીં નથી ? કોઈ નથી?"

"આંહીં આવ એય વાઘ...." કાકા 'વાઘરણ' શબ્દ પૂરો કરે તે પહેલાં જ 'નવી' પાછી આવતી રહી. ને સુખલાલ, 'કાકા'ના તે પછીના દૂર-વર્તાવને નિહાળી રહ્યો. 'કાકા' એમ પણ કંઈક કચ્છી ભાષામાં કહેતા હતા કે "મને ઊઠીને ઘેર આવવા દે, પછી વાત છે તારી."

સુખલાલ આવી બાબતમાં છેક જ છોકરું નહોતો રહ્યો. પણ પોતાની જાતને જ દોષિત માનવાની ટેવવાળો હોઈ કાંઈક ખુલાસો કરવા તલપાપડ હતો, છતાં આવી નાજુક વાતમાં પોતે ક્યાંક બાફી બેસશે એમ ભય પામી પડ્યો રહ્યો. આમ પોતાના મોં પરથી સ્મિત જતું રહેશે તે વખતે જ લીના ત્યાં આવીને ઊભી રહેશે તેવું એણે ધાર્યું નહોતું.

"ટેમ્પરેચર !" એટલું બોલીને એ સુખલાલના મોંમા થરમૉમીટર મૂકીને એકી સાથે હાથ ઉઠાવી, નાડી પર આંગળીઓ મૂકી પોતાના કાંડા-ઘડિયાળનો મિનિટ-કાંટો જોતી જોતી કોણ જાને શાં શતાવધાન કરતી ઊભી!

એનાં મોંમાંથી હળવા હાથે થરમૉમીટર કાઢીને લીનાએ સુખલાલને પૂછ્યું "વ્હાઈ ડોન્ટ યુ સ્માઈલ, સ્માર્ટી ?"

પોતાના ગામડાની નજીકના તેજપુર ગામે ચારેક ચોપડી અંગ્રેજી ભણેલો સુખલાલ પોતાનું અંગ્રેજી સમજ્યો નથી એમ એક જ પળમાં યાદ કરીને એણે હિંદીમાં કહ્યું : " હસતે ક્યોં નહીં આજ, સ્માર્ટી ?"