પૃષ્ઠ:Vevishal.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખલાલે સ્મિત કર્યું કે તરત જ "હાં, ઐસા રહેના !" કરતી એ પાછી ફરી, ત્યારે એણે કોઈ દિવસ નહીં ને આજે જ એક યુવાન કન્યાને ભયભીત નેત્રે ચોમેર જોતી ત્યાં ઊભેલી દેખી.

"હુમ ડુ યુ વૉન્ટ? તુમ કિસકો મંગતે હૈ ?" એમ એણે પૂછ્યું. કેમ કે આવી સુંદર છોકરી આજે આટલા બધા દિવસે સુખલાલ પાસે શા માટે આવે, એવી એની કલ્પના હતી; કોઈક બીજા દરદીને શોધતી હશે.

"ઇસકો" આવેલી સ્ત્રી એટાલું જ બોલી શકી. સુખલાલનું મોં નર્સ લીનાની બાજુ હતું, તે 'ઇસકો' શબ્દ સાંભળતાંની વાર જ ફરી જવા મથ્યું. તત્કાળ લીનાએ એને પકડીને પડખું ફરતો રોકતાં રોકતાં "નો ! નો ! સ્માર્ટી, નો!" એવી મીઠી ધમકી દીધી. ને આવેલ બાઈને એણે કહ્યું : "તુમ ઇસ બાજુ આઓ!"

આવેલ સ્ત્રી સુખલાલની સામે ગઈ ને ઓળખાઈ :

સુશીલા !


6

નર્સ લીના

નર્સ લીનાને કૌતુક થયું : આ બાઈ તે સ્માર્ટીની તબિયતના ખબર કાઢવા આવી છે કે દવાખાનાનાં દર્દીઓને જોવા આવી છે?

લીનાની શંકા પાયા વગરની નહોતી. સુશીલા હજી સુખલાલ પર એકાગ્ર થઈ જ નહોતી. સુખલાલનું મોં જોવામાં એ કોણ પણ જાણે કોઈક ચોરીછૂપીનું કૃત્ય કરતી હોય, તેવી અદાથી ચકળવકળ ચારે બાજુના ખાટલા તપાસ્યા કરતી હતી; ફરી પાછી સુખલાલના મોં પર નેત્રો ઠેરવતી હતી. ગોળ-ઘીના પાંજરામાં પેસેલી ઉંદરડીની જે સ્થિતિ હોય તે