પૃષ્ઠ:Vevishal.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘વેવિશાળ માં મેઘાણીનું લક્ષ વિશેષતઃ વાર્તાકથન પર રહ્યું છે. કેન્દ્રમાં સામાજિક સમસ્યા રહી છે પણ એ નિમિત્તે માનવીય સંવેદનાનાં સ્તરો ખુલ્લાં કરીને જીવનના ગહન પ્રવાહો તાગવા તેઓ ઝાઝું રોકાતા નથી. એટલે આ કથા એક ચપટી સમસ્યાકથા બની રહે છે. અહીં સૌરાષ્ટ્રનાં બે કુટુંબોનાં સંતાનો વચ્ચે ગોઠવાયેલો વિવાહ સંબંધ, સમય જતાં બંને કુટુંબો વચ્ચે આર્થિક અસમાનતા ઊભી થતાં, ભારે કસોટીએ ચઢતો રજૂ થયો છે. શ્રીમંત વર્ગના ચંપક શેઠે કન્યા અને વરની ઇચ્છા-અભિલાષા કશાનો ખ્યાલ કર્યા વિના એ સંબંધ તોડી નાખવા મથામણ કરી. પણ ખુશાલ જેવા અદના લાગતા પણ હૃદયની શુભ વૃત્તિવાળા માનવીની અને એ જ રીતે શાણા અને કાબેલ ભાભુની સંનિષ્ઠ મદદથી એ વિવાહ તૂટતો અટકી શક્યો. આમ આ નવલકથામાં વિવાહ સંબંધને લગતું કોકડું ગૂંચવાતું ને ઉકેલાતું રજૂ થયું છે.

પ્રમોદકુમાર પટેલ


‘વેવિશાળ મેઘાણીની મૌલિક સર્જકતાનો જ્વલંત પુરાવો છે.

ઉમાશંકર જોશી