પૃષ્ઠ:Vevishal.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ નજીક જતી હતી ત્યાં જ લીનાએ કહ્યું : આને તમે શું કહ્યું કે આજે એ રડે છે ? આટલા દિવસથી એ આંહીં છે પણ કોઈ દિવસ મેં એની આંખોમાં પાણી નથી જોયાં. તમે આજે આવીને એને મારાથી છૂપા છૂપા કાંઈક ખબર આપ્યા લાગે છે. તમે લોકો દરદીઓની મુલાકાત કેમ કરવી તે પણ સમજી શકતાં નથી. તમે લોકો - "તુમ લોક બિલકુલ બેસમજ ! તુમ લોક - "

એમ તુમ લોક તુમ લોક ચાલ્યું. સુશીલા આ કાગડી જેવી કાગારોળ કરી મૂકનારી નર્સને કેમ સમજાવવું તે જાણતી નહોતી. એણે મૌન પાળવામાં જ સલામતી માની. આ કોઈ અજાણી અર્ધદેશી ને અર્ધગોરી - કોને ખબર કાં તો ઢેડડી, કાં ગોવાનીઝ ને કાં કોઈ વટલેલી - પોતાના દરદી પર બેહદ અધિકાર જમાવી બેઠી છે. મને હજુ એક શબ્દ પણ બોલવા દેતી નથી. આટલી બધી ચિબાવલાઈ કેમ કરે છે? સુખલાલના ગાલો લૂછવાનો એને શો અધિકાર છે ? શરમનો છાંટોય છે નફટને ! હું આંહીં ઊભી છું તેની પણ પરવા નથી કરતી. નર્સના ધંધા કરનારી સ્ત્રીઓને વળી શરમ શી ? એને તો ગાલે અડવું કે પાનીએ, બધું એક જ છે ને ! એના હાથ તો ગમે તેવી ગંદકી ચૂંથનારા પણ એવા હાથ એ કોઈને ગાલે કે કોઈના કપાળે અડકાડતાં લજવાતી નથી ? સુખલાલ કેટલા સુગાતા હશે ! નહીં સુગાતા હોય તો શું એને મીઠું લાગતું હશે ? એ શા માટે ના નથી પાડી દેતા?

લીનાની દમદાટી અને સુખલાલની અશ્રુધારા, બેય વચ્ચે આધારહીન ઊભેલી સુશીલા લીનાની લવારીમાંથી એક વાત તો બરાબર પકડી શકી, કે દરદીની સારસંભાળ લેવા માટે આટલા દિવસ સુધી પેઢી પરથી કોઈ આવ્યું જણાતું નથી; અને આટલો કાળ રોગીની અહોરાત્રિની જે પોતે એકલી જ રક્ષક, પોષક ને પાલક રહી છે, તેને આજે આઠ દિવસે સુશીલા જેવી અજાણ છોકરીનું આક્રમણ ન ખટકે તો પછી એનું નારીત્વ ક્યાં રહ્યું ?

લીના ખસતી નહોતી, લીનાના હાથ સુખલાલના લલાટ પરથી