પૃષ્ઠ:Vevishal.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચમક લાગી. પોતે ઊભી હતી ત્યાં જ ઉપર જવાના દાદર પાસે પડતું એ ભોંયતળિયાના વૉર્ડનું બારણું હતું. એ બારણા પાસે થઈને ત્રણ જણાં પસાર થઈ દાદર ચડતાં હતાં : એક હતો વિજયચંદ્ર, બીજી હતી બે સ્ત્રીઓ. સુશીલા એ બેને ઓળખી ન શકી, પણ વિજયચંદ્રની ને એની આંખો બરાબર મળી.

"કોને જોવા આવેલ છો?" એટલું પૂછવાનું વિજયચંદ્રને ટાણું મળે તે પહેલાં તો સુશીલાએ મોં ફેરવી લીધું હતું.

વિજયચંદ્ર પણ પેલી બે સ્ત્રીઓના સાથમાં સુશીલાની નજરે ચડી જવાથી, કે પછી કોણ જાણે કયા કારણે, થોડીક વાર ડઘાઈ ગયો; પણ ગુમાવેલી સ્વસ્થતા પાછી મેળવતાં એને પલકની જ વાર લાગી. પોતે આટલો છોભીલો શા માટે પડી ગયો એનું એને આત્મતિરસ્કારયુક્ત વિસ્મય થયું. પેલી બંને સ્ત્રીઓને સાથે લઈને જ એ બે પગથિયાં ચડેલો પાછો વળ્યો ને નીચેના ખંડમાં દાખલ થઈ સુશીલાની સન્મુખ આવીને ઊભો રહ્યો.

"કોણ માંદું છે?" આટલું પૂછીને વિજયચંદ્રે બિછાના પર નજર કરી ત્યારે આ કંગાલ રોગી પાસે ઊભેલી સુશીલા એને એક સમસ્યા જેવી લાગી. સુખલાલને વિજયચંદ્ર બરાબર ઓળખતો નહોતો. - અને રોગી સુખલાલ તો પરિચિતોને પણ ઓળખાય તેવો ક્યાં રહ્યો હતો?

ત્યાં સુધી તો સુશીલાને કાળી નાગણ જેવી થઈ પડેલી નર્સ લીના આ ક્ષણે સુશીલાને તારણહાર બની ગઈ. એક હતી તેમાં બીજું ત્રણનું, ને એમાંય બે સ્ત્રીનું ઝૂમખું ઉમેરાતું જોતાંની વારે જ એ બહાર ગયેલી ત્યાંથી છલાંગો મારતી પાછી આવી અને હાસ્યમાં વીંટેલ રોષ દેખાડી હાથ જોડતાં જોડતાં બોલી ઊઠી :"આજ યે ક્યા તમાશા લગાયા હૈ સ્માર્ટી કે બિછાને પર ? હંય? તુમ લોગ હૈ કોન ? પેશન્ટ કે કૌન હોતે હો ? ઉતને રોજ કહા છિપ ગયે થે ? હંય ?"

દરદી પોતાનો શું થતો હતો એ તો નવાં ત્રણેમાંથી કોઈ નહોતું કહી શકે તેવું.