પૃષ્ઠ:Vevishal.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"દરગુજર કરજો," વિજયચંદ્રે પોતાની ટોપી હાથમાં રાખી સુગંધી રૂમાલ વડે સ્વેદ લૂછતે લૂછતે અંગ્રેજીમાં કહ્યું, "હું તો આ બાનુને મળવા અવેલો." એણે સુશીલા પ્રત્યે આંખો કરી.

બીજા લોકોને જ્યાં હાથ હલાવી ચેષ્ટા કરવી પડે ત્યાં વિજયચંદ્રની તો પાંપણના એકાદ વાળનું હલવું જ બસ થઈ પડતું.

હસતી હસતી લીના બોલી : "આંહીં ઇસ્પિતાલમાં ! દરદીને બદલે નીરોગીની મુલાકાતો ! યોગ્ય જ સ્થળ ગોત્યું ! એ તમારે શું થાય છે?"

"પિછાનદાર," વિજયચંદ્ર સહેજ ખચકાયો પછી કહી શક્યો.

આ પિછાનદારના હુમલાએ લીનાને ફરી એક વાર સુખલાલનું લલાટ પંપાળવાની તક આપી.

સુખલાલ આ આખા તમશાનો મૂંગો સાક્ષી જ બની સૂતો રહ્યો. વિજયચંદ્રને એણે શેઠની પેઢી પર એક વાર જોયો હતો, ને પ્રાણજીવન ઉર્ફે 'પ્રાણિયા'એ સુખલાલને ઠોંસા મારી મારીને બતાવ્યો હતો : "સુખલાલ શેઠ આમને જોયા ? જોઈ રાખજો હો કે? ઓળખાણ કામ આવશે. તમારા હરીફ છે."

પ્રાણજીવનનો ઠોસો ખાવામાં નિમિત્ત બનનાર આ વિજયચંદ્રને ફરી એક વાર સુખલાલે ઉજાણીમાં જોયેલ. આજે એને ત્રીજી વાર દીઠો. એને સુશીલાની સન્મુખ ઊભેલો દેખવો, લાંબા સમયના પિછાનદાર તરીકે મોં મલકાવીને સુશીલાને મળતો જોવો, ટોપી ખોલીને તાલબદ્ધ સ્વરોના કોઈ વાદ્ય સરીખું સુંદર ઓળેલું મસ્તક દેખાડતો જોવો, ગજવામાં અરધો દેખાતો રૂમાલ બહાર ખેંચીને જાણે કે પસીનાનાં સ્વેદોમાંથી ખુશબો ફોરાવતો નિહાળવો, એ સાવ સહેલું તો થોડુંક જ હતું ?

તમે કહેશો કે સુખલાલ શાણો હતો છતાં આવું દૃશ્ય દેખીને સળગી જવાની બેવકૂફી એનામાંથી કેમ ગઈ નહોતી? કંગાલિયતનો કીડો હતો છતાં વિજયચંદ્રની ઈર્ષ્યા કરવા જેટલું વીરત્વ એનામાં બાકી કેમ રહી શક્યું હતું ? તમારામાંના કોઈ કોઈ તો એટલે સુધી ય કહી ઊઠશે