પૃષ્ઠ:Vevishal.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે, સુખલાલને સ્થાને અમે હોત ને, તો અમારી અપાત્રતાનો ખુલ્લો એકરાર કરી નાખી સુશીલાને બસ 'ધરમની માનેલ બહેન' કહી એનાં રૂપગુણના સાચા અધિકારી કોઈ આવા નવયુવનના કરમાં એનો કર મૂકી દેત, 'સુખી થાઓ' એવી આશિષો આપત અને વીર પહલી પર એ બહેનને ભાઈની 'રંક ભેટ' મોકલાવત.

હાય રે હાય માનવકીડા સુખલાલ, તું આટલી દિલાવરી ન દેખાડી શક્યો ! પથારીએ પડ્યાં પડ્યાં પણ તને વિજયચંદ્રની વિરુદ્ધ હિંસાત્મક વિચારો આવ્યા ! બીજી તો તારી લાયકાત પણ શી હતી એ મોત-બિછાના પર ? કેટલો નિર્વીર્ય દ્વેષ !

પોતાના લલાટ પર રમતો લીનાનો હથ સુખલાલે હળવેથી ઠેલી નાખ્યો. લીના ચકિત થઈ. 'સ્માર્ટી'ના કપાળ પરથી હાથ ઠેલાવું એને આ દરદીની છેલ્લા આઠ દિવસની રોગ-સૃષ્ટિમાં પહેલી જ વારના ભૂકંપ સરીખું ભાસ્યું.

સુશીલાએ સુખલાલની એ ક્રિયા જોઈ લીધી, સુખલાલનું મોં સંકોડાતું હતું, વધુ વાર એ ઊભી ન રહી શકી. લીનાની સામે 'અચ્છા તબ!' કરતી સસ્મિત એ ચાલતી થઈ. તેની પાછળ વિજયચંદ્ર, અને વિજયચંદ્રની પાછળ બે સ્ત્રીઓ, વીજળી-ગાડીના ડબા જેવાં બહાર નીકળી ગયાં.

"ઉપર ચાલશો?" વિજયચંદ્રે સુશીલાને કહ્યું, "અમે હમણાં જ એક દરદીને તપાસીને પછી તમને મોટરમાં ઘેરે મૂકી જઈએ."

"ના મારે ઘેર નથી જવું."

"જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈએ."

"આંહી નજીકમાં જ જવું છે."

એમ કહીને સુશીલા ઇસ્પિતાલનાં પગથિયાં ઊતરવા લાગી. અને બીજાઓને ન મળતી એ દવાખાનાના સ્ટાફ માટેની લિફ્ટમાં, એક ડૉક્ટર મિત્રની કૃપાથી ઊંચે ચડતો વિજયચંદ્ર સહેજ શોકાર્ત બન્યો - સુશીલા ચાલી ગઈ તે માટે નહીં, પણ પોતાની આ વિશિષ્ટ માનવંત સ્થિતિ