પૃષ્ઠ:Vevishal.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોયા પહેલાં જ ચાલી ગઈ તેને કારણે.

સુશીલા તો ત્યાંથી સીધી ટ્રામમાં બેસીને ઘેર જ ચાલી ગઈ, પણ મોટા બાપુજીને આ ખબર હમણાં જ પહોંચશે એવો ભય એને આખે રસ્તે મૂંઝવતો ગયો. વિજયચંદ્ર વારંવાર પેઢીએ જાય છે, તે સુશીલા જાણતી હતી. વિજયચંદ્રનું આ જવું - આવવું મોટા બાપુજીના કોઈ વિદ્યારસને અથવા વ્યાપાર-ઉદ્યમની સાહસિક યોજનાને આભારી હતું, કે કોઈ બીજા રહસ્યમય આશયની સિદ્ધિ તરફ લઈ જનાર હતું, તે બાબતમાં સુશીલા છેક અજાણ નહોતી. વિજયચંદ્ર ઘેર આવે ત્યારે સુશીલાના હાથનાં જ ભજિયાં ખાવાનો સ્વાદ બાપુજીની હોજરીમાં એકાએક ઊભરાઈ આવતો એટલું જ નહીં, પણ " આ ભજિયાં તેં શી રીતે બનાવ્યાં, બેટા!" વગેરે પાકશાસ્ત્રની ચર્ચા માટે મોટા બાપુજી સુશીલાને શા માટે વિજયચંદ્રની સન્મુખ બોલાવી મંગાવતા તે સમજી જવા જેટલી સુશીલાની ઉંમર થઈ ચૂકી હતી. વિજયચંદ્ર જો મોટા બાપુજીનો કેવળ વેપારી સ્નેહી હોત તો ભજિયાંને આ બનાવટ જ્યારે કાકા-ભત્રીજી વચ્ચે ચર્ચાતી હતી તે વેળા શરમાઈને નીચે નિહાળી મૂંગે મોઢે શા માટે બેસી રહેત ? પોતાની સામે ચોરની નજરે શામાટે નીરખાતો હોત?

આ જુવાન મારે વિશે શું ધારશે? મોટા બાપુજીને ખબર આપ્યા વગર તો કેમ જ રહેશે? બાપુજી પૂછશે કે કેમ મળવા ગઈ હતી, તો જવાબ શો આપીશ? કોને મળવા ગઈ હતી તે તો બાપુજી સમજી જવાના. બાપુજીનો ઠપકો તો શું, ઉતાવળો એક બોલ પણ સુશીલાએ કદી સાંભળ્યો નહોતો. બાપુજીની એ લાડકવાયી હતી. બાપુજીને જૂનું વેવિશાળ ઝેરી કાંટા સમાન જેવું ખટકી રહ્યું હતું તે, અને ઉજાણીદિનના બનાવની ગેરસમજણે બાપુજીને સુખલાલ પર સળગાવી મૂકેલ છે તે યાદ કરતાં સુશીલાનાં ગાત્રો ગળવા માંડ્યાં. પોતે સપડાઈ ગઈ. સુખલાલને ફૂલો આપવા જવાની પોતાની હિંમત પોતાને જ ડરાવતી થઈ. પોતાની બાની વિકરાળ વાઘણ-મૂર્તિ એની સામે તરવરી ઊઠી. ભલાં ભદ્રિક ભાભુ તો સુશીલાનાં પૂજનિય હતાં, એમને આ આચરણની જાણ થશે ત્યારે તો બારે વહાણ ડૂબી જવાનાં. ભાભુ મારે માટે કેવો મત બાંધશે ? . પોતાની બાની વિકરાળ વાઘણ-મૂર્તિ એની સામે તરવરી ઊઠી. ભલાં ભદ્રિક ભાભુ તો