પૃષ્ઠ:Vevishal.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુશીલાનાં પૂજનિય હતાં, એમને આ આચરણની જાણ થશે ત્યારે તો બારે વહાણ ડૂબી જવાનાં. ભાભુ મારે માટે કેવો મત બાંધશે ?


7

પરોણો આવ્યો

રાત પડી ને મોટર માળા નીચે ઊભી રહી ને થડકાર કરવા લાગી. ત્યારે સુશીલાના હૃદયમાં પણ એવા જ થડકારા થયા. એણે બાપુજીના દાદર પરનાં પગલાં પણ કાન માંડી ગણ્યાં. બ્લોકનું કમાડ ઊઘડ્યું અને બૂટ નીકળ્યા. ત્યાર પછી પા કલાક સુધી બાપુજી સિંહગર્જના કરતા કરતા અંદર ન ધસી આવ્યા એટલે સુશીલા નિરાંત પામી.

પોતે બાની સાથે રસોડામાં હતી. કોઇક મહેમાન હતું? કોણ હતું? સુશીલાને કોઇએ ઓળખ ન આપી. બા અને ભાભુ છાનાંમાનાં કશું મિષ્ટાન્ન રાંધવાની વાતો કરતાં હતાં. જમવાની બેઠક પણ જે આજ સુધી રસોડાની સામેના ખંડમાં રહેતી, તે બ્લૉકના બીજે છેડે ગોઠવવામાં આવી. અજાણ્યા મહેમાનોને માટે પણ આવો સ્થળબદલો નહોતો થતો. તે આજે થતો દેખી સુશીલાને આશ્ચર્ય થયું.

સુશીલાએ પૂછપરછ કરતાં ઘાટીએ જાણ કરી કે કોઇ ગામડિયો ડોસો મહેમાન છે.

"બગુન તો પા, બાઈ, હે જૂતે!" એમ કહીને મશ્કરી કરતા ઘાટીએ સુશીલાને, ત્યાં પડેલા મહેમાનના જોડા પછાડીને દેખાડ્યા. જોડા ઓખાઇ હતા. જીર્ણ છતાં તાજા તેલ પાયેલા હોવાથી તેના પર ધૂળ ચડી ગઇ હતી. એવડા તોતીંગ જોડા સુશીલાએ કોઇ દિવસ જોયા નહોતા.

એવા જૂતા પહેરનાર ગામડીયા મહેમાનને માટે ભાભુ અને બા