પૃષ્ઠ:Vevishal.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કંસાર રાંધવા કેમ બેસી ગયાં હશે? બાપુજી જોડે એ ખાનગી ઓરડામાં પેસીને શી વાત કરતો હશે? સૌનાં મોઢાં પરથી તો મહેમાન કાંઇક અણગમો અને અનાદરને પાત્ર માનવી લાગે છે.

છાનામાના સુશીલાએ જમવા બેઠેલા અતિથિની ચેષ્ટા નિહાળી. એના માથા પર એક ચોટી સિવાય બધુંજ મુડન હતું. ને હજામત વધેલી હોઇ મુંડન ઝગારા નહોતું કરતું. એણે પહેરણ પણ ઉતારી નાખ્યું હતું. ખુલ્લા દેહની કાઠી પાતળી હતી. ખૂબ દુઃખ સહન કરનાર ભાસે એવો એ દેહ ક્ષીણ છતાં કઠણ, અને ત્રાંબાવરણો છતાં સ્વચ્છ હતો.

નાહવાની ઓરડીમાં નળ વહેતો હતો, પુષ્કળ પાણી હતું છતાં પરોણાએ સાચવીને હાથ-પગ-મોં ધોયાં અને પાસે મૂકેલા ચોખ્ખા નૅપ્કિનને મેલો કરવાની બીકે હો કે કોઇ બીજા કારણે, એણે પોતાના પહેરેલ જાડા ધોતિયા વડે જ હાથપગ અને મોં લૂછ્યાં. પછી એ પાટલા પર બેસવાને બદલે પાટલા ઉપર થાળી રાખીને, 'હે રામ!' કહીને નીચે બેઠો. સામે મોટા શેઠે બેઠક લીધી.

ગામડિયો જ્યારે ખાવા લાગ્યો, ત્યારે એની ચીવટ નજરે પડી. એણે વધુ લાગ્યો તેટલો કંસાર કાઢી નાખ્યો. એની ખાવાની રીતમાં સંસ્કાર હતો. પહેલું તો એ ઉતાવળ કરીને નહોતો જમતો અને જોઈએ તેટલું માગી લેતો હતો. ઘીમાં એણે કંસાર ચોળ્યો ત્યારે બીજા ઓરડામાંથી સુશીલા એ બારીક નજરથી રસભેર જોયા કર્યું. એણે ધીરજથી કંસાર અને ઘી સારી પેઠે મસળ્યાં: મસળીને થાળીની એક બાજુ દાબો કર્યો: આખી થાળી સ્વચ્છ બની. ઘી અહીંતહીં રેલાયેલું ન રહ્યું. અથાણું પણ એટલી જુક્તિ અને જાળવણી રાખીને લીધું કે તેલનું ટીપું પણ આડેઅવળે ન રેલાયું.

સુશીલા સાંભળે છે તેની કોઇને જાણ નહોતી. મોટા શેઠે પોતાનાં પત્નીને બહાર બોલાવ્યાં. એમણે બહાર આવીને આ પરોણાને આદરમાનના શબ્દો કહ્યા. જમતા પરોણાએ પણ વિનય દેખાડ્યો.અને 'ઘર આગળ તબિયત કેમ છે?' વગેરે પૂછાતા પ્રશ્નોના ઉત્તરમાં કહ્યુંઃ