પૃષ્ઠ:Vevishal.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિવેદન


[પહેલી આવૃત્તિ]

દસ મહિના પૂર્વેના એક મંગળવારે ‘ફૂલછાબ’ના અંકોમાં પૂરવાને માટે આ વાર્તા લખવાનો પ્રારંભ કર્યો. તે વખતે લેખક પાસે આખી વાર્તાનું હાડપિંજર બિલકુલ તૈયાર નહોતું. વાર્તાનું સર્જન બે રીતે કામ કરે છે. અમુક લેખકો વાર્તાનું આખું જ માળખું પહેલેથી ઘડીને પછી તેમાં લેખનનાં રુધિર-માંસ પૂરવા બેસે છે, ત્યારે હું અને મારા જેવા અનેક ફક્ત એક પ્રબળ પરિસ્થિતિથી જ આંધળો પ્રારંભ કરીએ છીએ અને તે પછી પાત્રો તેમ જ પ્લોટ, જાણે કે પોતાની જાતે, ઘડાતાં ચાલે છે. આવી આંધળી લેખનપદ્ધતિ ખરું જોતાં તો અકસ્માતને આધીન નથી હોતી. એમાં પણ ઘણા કાળના સંઘરાયેલા અનુભવો તેમ જ ચિંતનનાં જ રંગો-રેખાઓ પુરાતાં આવે છે; તૈયાર પૂણીઓ જ કંતાય છે. પરંતુ આંધળુકિયાં કરીને આ વાતને આગળ ચલાવી, એટલું કહેવું બરાબર નથી. આ વાતના ઘડતરમાં ‘ફૂલછાબ’ના વાચકોના ‘ઝાઝા ને રળિયામણા હાથ’ કામે લાગ્યા હતા. પહેલા જ હપતાથી વાચકોના કાગળો આવવા શરૂ થયા, ને જેમ જેમ વાર્તાપ્રવાહ આગળ ચાલ્યો તેમ તેમ તો દૂરથી ને નજીકથી, શહેરોમાંથી ને ગામડાંમાંથી, સુશિક્ષિતો તેમ જ સામાન્યોના, સ્ત્રીઓ અને પુરુષોના કાગળો આવતા ગયા – જેમાં વાર્તાને કઈ કઈ દિશામાં લઈ જવી તેનાં નિખાસલ સૂચનો હતાં. એ બધા કાગળો જો આંહીં ઉતારું તો ‘વાર્તાસર્જન’ની કળાના વિષય પર નવું જ અજવાળું પડે. પરંતુ ‘વેવિશાળ'ની મુકરર કરેલ

કિંમત હવે વિશેષ પાનાંનો બોજો ઊંચકી શકે નહીં.

[5]