પૃષ્ઠ:Vevishal.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખલાલે એને કશી જ વાત નહોતી કરી. એણે બંડી પહેરીને માથા પર પાઘડી મૂકી.

"પાંચ મિનિટ બેસો. હમણાં મોટર મૂકવા આવે છે." એમ કહીને રોકેલા પરોણાને મોટા શેઠે ફરી પાછો એની એ જ વાતોમા ઘસડ્યો.

"શું ધાર્યું?"

"હમણે થોડું જાળવી જાવ."

"થોડુંક એટલે કેટલુંક?"

"એ તો હું કેમ કહી શકું, શેઠ? પણ નીકર ઈ માંદીનું હૈયું જ વાત સાંભળીને ફાટી જાશે એ તો ઠીક, પણ એના જીવની અવગત્ય થાશે; માટે હું હાથ જોડીને વીનવું છું કે થોડુંક જ જાળવી જાવ."

મોટા શેઠ તુચ્છકારથી હસ્યા.

"હવે એ ઝાઝું નહીં જીવે, શેઠ?" પોતાની પત્ની વિશે આવું બોલતો ગામડિયો પતિ દિલને વધુ ને વધું કઠોર બનાવી રહ્યો હતો.

"એવું કાંઈ ધાર્યું રે'છે, ભાઈ! ને હવે અમારો કાંઇ વાંક છે? દીકરીને ભણતર ભણાવ્યા પછી , સંસ્કાર દીધા પછી, હવે ઝેર થોડું દેવાશે?"

પરોણો પોતાના શરીર પર મોટા પ્રહારો અનુભવતો છતાં અબોલ રહ્યો. તેના મૌનને નબળાઇનું ચિહ્ન ગણનારા શેઠે કહ્યું: "જુઓ જાણે,સાંભળો, આપણે આપણી મેળે જ સમજી જાયેં, તો... આ લો બે હજાર રોકડા. ચાય ત્યાં દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદ્‍ગતિ કરો. બાકી જો ફિકર ન કરવી હોય, અમને દબાવવા જ હોય, અમારી ભલાઇનો કસ કાઢવો હોય, તો પછી હું લઉં નાતનું શરણું. નાત આ વેવિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશો નહીં હો, શેઠ! મારી પાસે તો દાક્તરનાં સર્ટિફિકેટો છે, કે છોકરો પરણવા માટે નાલાયક છે."

સુખલાલનો પિતા મોટા શેઠની સામો ને સામો સડક થઇ રહ્યો.