પૃષ્ઠ:Vevishal.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને તદ્દન સ્વાભાવિક સ્વરમાં જ ઉપર ઊભાં ઊભાં શૉફરને ફરી વાર યાદ આપ્યું કે "તબિયત કેવી છે તે પણ પૂછતા આવજો, બીજું કાંઈ મહેમાનને જોઈએ તો જાણતા આવજો."

"મને તો કાંઈ ખર નહીં, ખબર નહીં!" મોટર ગયા પછી સુશીલા શાંતિથી બેઠી ત્યારે ભાભુ માળા ફેરવતાં ફેરવતાં બોલવા લાગ્યાં; "પ્રાણિયો રોજ શાક મૂકવા આવે છે. એ બચાડો જીવ પણ મને કહેતાં વીસરી ગયો હશે. તારા મોટા બાપુજી પણ બચાડા જીવ રોજ થાક્યા પાક્યા આવે એટલે આ ખબર તો આપવા જ ભૂલી ગયા ! નીકર ઇસ્પિતાલે જોવા તો જ‌ઈ આવત, માડી ! માણસ જેવું માણસ - ને પારકું નહીં, આપણું પોતાનું માણસ ! સૂઝે એવું તોય આપણા સંગનું માણસ છે, એમાં કાંઈ અટાણથી ના પડાય છે? આંહી પારકા પરદેશમાં એની સારસંભાળ લેનાર કોણ ? દવાખાનાનાં નોકરચાકર ને બચાડા જીવ નર્સ-દાગતર તે કેટકેટલાંની સાર-સંભાળ્યે પોં'ચી શકે? આપણે જવું જોવે, માડી. મારે તો ગયા વગર છૂટકો જ નહીં! હા, તારી વાત નોખી છે. તારાથી ન જવાય. કુંવારી વેળા કે'વાય ને, બેન; કરી મૂકેલ છે ને, બેંન !અને વળી હજી તો બધું ડગમગી રિયું છે ખરું ને ? જુવાન દીકરીને તો ચેરાઈ જતાંય વાર નહીં. બચાડા જીવ પૂરું ભાળ્યું ન ભાળ્યું, સાંભળ્યું ન સાંભળ્યું, ત્યાં તો હાંકી મૂકે..."

સુશીલાના હોઠ પર આવેલા બોલ 'ભાભુ હુંતો આજે એને જોઈ આવી', હૈયામાં પાછા વળી ગયા. વળી વિચાર આવ્યો : કાલે પરમે ભાભુને જાણ થશે તો? તો એ મને જૂઠાડી સમજશે, ને અત્યારે ભાભુ સત્ય સાંભળશે તો. બહુ બહુ તો મને ઠપકો દેશે. મારે ભાભુથી છૂપું ન રાખવું જોઈએ; એ તો પ્રભુથી છુપાવ્યા બરોબર વાત છે.

એણે હૈયામાં ઊતારેલા બોલને પાછા હોઠ પર બોલાવ્યા : "ભાભુ, તમારે પગે માથું મૂકેને એક અપરાધ માની જાઉં તો !"

"તોય હું તને મારું."

"ભલે મારજો, ભાભુ" એમ કહેતે સુશીલાએ ભાભુના પગ ઝાલી