પૃષ્ઠ:Vevishal.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છલોછલ રુધિર-માંસમાં જબરી એક ચપટી ભરી. "એમાં શું તું અભડાઈ ગઈ ? કોને મળવા ગયેલી? સુખલાલે તને દીઠી'તી ? હેરાન તો નો'તી કરીને? કોઈના દેખતાં કશું અઘટિત વેણ તો નો'તું કાઢ્યું ને?"

"ભાભુ હું એમને જ જોવા ગઈ'તી. એમની આવી દશા ? મારા મોટા બાપુજીને કાંઈ દયા જ ન આવી !" એમ બોલતે બોલતે સુશીલાના સ્વરમાં કંપારી આવી, "ત્યાં - કોઈ-કૂતરું-પડ્યું-હોય-એવું..."

સારી એવી વાર સુધી શાંત રહ્યા પછી ભાભુએ સુશીલાના શરીરને વિશેષ વહાલપમાં ભીંજાવ્યું અને પૂછ્યું : "તારા મોટા બાપુજી તારી આવડી આ જ ફિકરમાં પડ્યા છે એ જાણછ ને, બે'ન?"

"જાણું છું, પણ હું કોને કહું ? આજ તમને કહું છું."

"તારે શું કહેવાનું હોય ? તારા વડીલો ક્યાં નથી સમજતા? હું મૂઈ જૂના વિચારની છું, એટલે એક મારા મનની વાધરી જૂના વેશવાળમાં વળગી રહી છે, બાકીનાં તો સૌ તારે જ માટે ખુવારના ખાટલા થાય છે."

"હું ક્યાં કોઈને ખુવાર થવા કહું છું."

"તું તો, બેટા, અમે નરકમાં મોકલીએ તોય ના ન પાડ. પણ તારા મોટા બાપુ તને એમ કાંઈ નાખી દિયે ?"

"ભાભુ," સુશીલા જેમ વધુ સ્પષ્ટ કરવા માગતી હતી તેમ એની મનોવૃત્તિ વિશે ભાભુની ગેરસમજ વધતી હતી : "મારી ફેરવણી કરવાનું મૂકી દેવા સૌને કહો."

"પણ તારે શા ઉચાટ છે? હાં, હવે સમજી ! આ તો બે'નબા ઉતાવળમાં લાગે છે ! - તે તને શું એમ લાગે છે કે તારા મોટા બાપુજીને તારા જેટલી જ ઉતાવળ નથી?"