પૃષ્ઠ:Vevishal.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતે શા માટે તડફડ નથી કરી નાખતી એ વાત, આ રાત્રીએ, સુશીલાએ પોતાની જાતને પણ પૂછી જોઈ. છેતરામણી લાગણીઓ એક્દમ તો જવાબ આપે જ શાની? ખૂણેખાંચરે પડેલી એકાદ લાગણીએ ફક્ત જરી જેટલી ચાડી ખાધી કે 'કિશોરી, આંહીં આટલામાં ક્યાંઇક પેલો વિજયચંદ્ર પણ લપાઇને સળવળી રહ્યો છે - આંહીં, એટલે કે અમ સર્વ લાગણીઓના નિવાસસ્થાન તારા અંતરને વિશે.

પોતાના જ અંતરમાં વસનારી એક ઉર્મિ બેશરમ બનીને અંતરની આવી જાસૂસી કરે, ચાડીચુગલી ચલાવે, છૂપી ચોરીને પકડી પાડે, એ સુશીલાના સુખની વાત નહોતી. વિજયચંદ્ર એને મોટરમાં બેસવા નહોતો લલચાવી શક્યો એ ખરું; પણ મુંબઇ શહેરની બે-એક નહીં પણ જોટો- યુવતીઓ હરકિશનદાસ ઇસ્પિતાલના દવાએ ગંધાતા રોગાલયમાં એમની જ મોટરમાં લઇ ને મારી પછવાડે કાંઈ વિના કારણે, વિના આકર્ષણે, વગર વિચારે નહીં જ ચાલી આવી હોય એટલું તો તારે, ઓ સુશીલા, મારા વિષયમાં વિચારવું જ પડશે - એ પ્રકારનો દાવો કરતો વિજયચંદ્ર જાણે કે એના અંતરના ઓટલા પર બૂટની એડીઓ પછાડતો હતો. ઇસ્પિતાલની 'લિફ્ટ' પણ વિજયચંદ્રના ખાસ અધિકારની વસ્તુ હતી. તે દિવસે જમવા અને પછી વારંવાર ભજિયાં ખાવા ઘરે આવેલો વિજયચંદ્ર પોતાને પગલે પગલે વિજયનાં પુષ્પો નહોતો પથરાવતો એમ કહી શકાય? પારકાનું હૃદય જીતવાની એનામાં કળા હતી. એ કળાની મૂઠ સુશીલા ઉપર નંખાઇ હતી. ને તે પછી સુશીલા સાવ નીડર તો નહોતી જ રહી. આવી છૂપી છૂપી બાતમી સુશીલાએ તે રાત્રીએ પોતાની એકાદ લાગણી પાસેથી મેળવી, ને એને લાગ્યું કે 'સુખલાલ મારો જ છે' એવો તડ ને ફડ ઘા કરતી પોતાને રોકવામાં વિજયચંદ્રનો પણ થોડોક હાથ છે.

આ લાગણીને સુશીલા એ જાણે કે ગળે ચીપ દઇને પાટુએ પાટુએ ગૂંદીને ચૂપ કરી. પોતે પણ મૂંગી રહી. ભાભુએ પહેલાં બગાસું ખાઇને કહ્યું: "સૂઇ જા, ભાઇ, ઝાઝો વિચાર શીદ કર્યા કરછ? અમારા સૌના